ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.30
લગભગ દસ મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાને બદલે બાકીના પશ્ર્ચિમ એશિયામાં ફેલાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હકીકતમાં, શનિવારે ઇઝરાયલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પર કથિત રીતે ઇરાન સમર્થિત મલેશિયા હિઝબુલ્લા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ઇઝરાયલી સેનાએ દક્ષિણ અને પૂર્વી લેબનોનના ગામો અને નગરો પર બોમ્બમારો કરીને જવાબી કાર્યવાહી કરી. આ પછી ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયલને ચેતવણી આપી છે કે જો તે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરશે તો તે વિનાશક યુદ્ધ કરશે. દરમિયાન ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ આગળની કાર્યવાહી કરવા માટે તેલ અવીવમાં સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી છે. શનિવારના હુમલા બાદ ઇઝરાયલે લેબનોન પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. દક્ષિણ લેબનોનમાં રવિવારે મોડી રાત્રે થયેલા ડ્રોન હુમલામાં બે લોકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા. ઈઝરાયલના હુમલાને જોતા લેબનોનમાં હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. લેબનોનની મિડલ ઇસ્ટ એરલાઇન્સે જણાવ્યું હતું કે, સો કરતાં વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા વિલંબિત કરવામાં આવી છે. લુફ્થાંસા એરલાઈન્સે કહ્યું કે તેણે 30 જુલાઈ સુધી 5 રૂટ પર ફ્લાઈટ્સ રદ કરી છે. બેરૂૂત રફિક હરીરી ઇન્ટરનેશનલ એરપોર્ટ લેબનોનનું એકમાત્ર એરપોર્ટ છે.
ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન અને ફરી ગૃહયુદ્ધ દરમિયાન આ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. બેરૂૂતમાં નોર્વેજિયન એમ્બેસીએ ચેતવણી આપી છે કે લેબનોન-ઈઝરાયલ સંઘર્ષ વધી ગયો છે. દૂતાવાસે નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. જો પરિસ્થિતિ વધુ બગડે છે, તો લેબનોનની બહાર મુસાફરીના વિકલ્પો મર્યાદિત હોઈ શકે છે. ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે છેલ્લા 10 મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. આતંકવાદી સંગઠને શનિવારે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યાં હતાં. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, મૃતકોમાં મોટાભાગના 10-20 વર્ષની વયનાં બાળકો છે. અમેરિકાના પ્રવાસે ગયેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હુમલાની માહિતી મળતાં જ તરત જ પરત ફર્યા હતા. હિઝબુલ્લાહે શરૂૂઆતમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. ઈઝરાયલના સૈન્ય ઈંઉઋએ કહ્યું છે કે, આ હુમલો ફલક-1 રોકેટથી કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ માત્ર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે. ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠન સાથે યુદ્ધની શરૂઆતની ખૂબ નજીક છીએ.