ઈઝરાયલે છેલ્લાં કેટલાક મહિનામાં ઈરાનને ઘણાં આંચકા આપ્યાં છે. ઈઝરાયેલે હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ઠાર કર્યા છે. ઈરાન તપાસ કરી રહ્યું છે કે સુરક્ષામાં ક્યાં ખામી સર્જાઈ હતી આ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સનો કમાન્ડર ગુમ થઈ ગયો છે, જેનાં પછી એવી અટકળો ચાલી રહી છે કે તેણે ઈરાનને ઈઝરાયેલની મદદ કરીને દગો આપ્યો છે. 67 વર્ષીય બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાની યુએસ દ્વારા કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાનમાં સૌથી શક્તિશાળી લશ્કરી વ્યક્તિ છે.
મિડલ ઈસ્ટ આઈએ સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના ચુનંદા કુદ્સ ફોર્સના નેતા ઈસ્માઈલ કાની જીવંત છે અને નજરકેદમાં સુરક્ષિત છે. પરંતુ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીની દેખરેખ હેઠળ થઈ રહી છે.
- Advertisement -
હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ કાનીને જાહેરમાં જોવામાં આવ્યો નથી. 27 સપ્ટેમ્બરે ઈઝરાયેલે બેરૂતમાં હવાઈ હુમલામાં નસરાલ્લાહને મારી નાખ્યો હતો. હિઝબુલ્લાહ સાથે ઈરાન માટે આ મોટો ફટકો હતો. ત્યારથી આઇઆરજીસીએ તપાસ શરૂ કરી છે કે ઈઝરાયેલને હસન નસરાલ્લાહના સ્થાનની જાણ કેવી રીતે થઈ હતી. કારણ કે હસન નસરાલ્લાહનું સ્થાન ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. તે લાંબા સમય સુધી કોઈ જગ્યાએ રોકાયો ન હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાની અને તેની ટીમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2020 માં અમેરિકાએ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારથી તે આઇઆરજીસીની વિદેશી પાંખ કુદ્સ ફોર્સના વડા બન્યાં છે. ઈરાની કમાન્ડરોએ ઈઝરાયેલને માહિતી આપી હોવાની શંકા વધુ વધી જ્યારે હસન નસરાલ્લાહના અનુગામી હાશેમ સફીદ્દીનને ઈઝરાયેલે 4 ઓક્ટોબરે બંકરમાં મિસાઈલ વડે માર્યો હતો.
હુમલો એટલો જોરદાર હતો કે ચાર મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, નસરાલ્લાહના મૃત્યુનાં બે દિવસ પછી, કાની પરિસ્થિતિને સમજવા માટે ઘણાં આઇઆરજીસી કમાન્ડરો સાથે લેબનોન પહોંચ્યાં હતાં. પરંતુ સફીઉદ્દીનના મૃત્યુ બાદ બે દિવસ સુધી તેની સાથે કોઈ સંપર્ક થયો ન હતો.
- Advertisement -
બેરૂત બોમ્બ ધડાકામાં તે કાંતો ઘાયલ થયો હતો અથવા માર્યો ગયો હોવાની અટકળો હતી. પરંતુ ઇઝરાયેલના સતત બોમ્બમારામાં તે ન તો ઘાયલ થયો હતો કે ન તો તે સફીઉદ્દીન સાથે મીટિંગમાં ગયો હતો.