ચાર ઑક્ટોબરથી સૌરાષ્ટ્ર-રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે પાંચ દિવસીય મુકાબલો: 2019-20ની સીઝનમાં રણજી ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્ર સામે ઈરાની કપનો મુકાબલો કોરોનાને કારણે રમાઈ શક્યો નહોતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો માટે ગુડ ન્યુઝ એ છે કે અહીં 39 વર્ષ પછી અત્યંત પ્રતિષ્ઠિત ગણાતાં ઈરાની કપનો મુકાબલો રમાશે. આ મુકાબલામાં સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડીઓ સામે ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ રમતાં જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરતાં જણાવાયું છે કે ચાર ઑક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે પાંચ દિવસીય મુકાબલો રમાશે. 2019-20ની સીઝનમાં રણજી ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્ર સામે ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટક્કર થવાની હતી પરંતુ કોરોનાને કારણે આ મેચ શક્ય બની શકી નહોતી. આ પહેલાં ચાર ઑક્ટોબરે ઈન્દોરમાં ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમવાની છે.
- Advertisement -
આ જ કારણથી ઈરાની ટ્રોફીની મેચની મેજબાની ગ્વાલિયરને મળી હતી. એક સપ્તાહ પહેલાં બીસીસીઆઈના પદાધિકારીઓએ ગ્વાલિયર આવીને તૈયારીઓ કરવા માટે 20 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આ સમય મળ્યા બાદ મધ્યપ્રદેશ ક્રિકેટ એસાસિએશનના નિર્દેશ પર ગ્વાલિયર ક્રિકેટ એસોસિએશને જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી જે 70% જેટલી પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ ઉપર ઈરાની ટ્રોફીની મેચ બાકી હોવાનું ધ્યાન પર આવતાં જ બીસીસીઆઈ દ્વારા આ મેચ ગ્વાલિયરથી ખસેડીને રાજકોટને ફાળવવામાં આવી છે.ઈરાની ટ્રોફીની મેચ મળ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે જણાવ્યું કે બીસીસીઆઈ દ્વારા આ મેચ રાજકોટને ફાળવવામાં આવી છે.
જે બદલ અમે બીસીસીઆઈ સચિવ જયભાઈ શાહના આભારી છીએ. બીસીસીઆઈ દ્વારા ઈરાની કપ અહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે 2020માં આ મેચ અહીં રમાડી શકાઈ નહોતી. આ મેચ અહીં મળતાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાની કપમાં રમનારી ટીમ રેસ્ટ ઑફ ઈન્ડિયામાં ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓ ભાગ લ્યે છે જેમની પસંદગી નેશનલ ટીમમાં કરવામાં આવી ન હોય. આ રીતે જોવા જઈએ તો અત્યારે અનેક એવા સ્ટાર ખેલાડીઓ છે જેઓ ટીમ ઈન્ડિયામાં સામેલ નથી ત્યારે તેઓ ચાર ઑક્ટોબરથી રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે ઈરાની ટ્રોફી રમવા માટે આવશે.