2024 માં 975 લોકોને ફાંસી જેમાંથી 31 મહિલાઓ : આ વર્ષે 121 લોકોને ફાંસી અપાઈ
ઈરાનમાં ફાંસીની સજાની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ 2024 માં આ દેશમાં 975 લોકોને ફાંસી આપવામાં આવી હતી. આ આંકડો વિશ્વમાં મોતની સજાનાં મામલામાં સૌથી વધુ છે.
નોર્વે સ્થિત ઇરાન હ્યુમન રાઇટ્સ અને ફ્રેન્ચ જૂથ સાથે મળીને અગેઇન્સ્ટ ધ ડેથ પેનલ્ટીએ તેમનાં અહેવાલમાં જણાવ્યું હતું કે ઇરાને 2008 માં મૃત્યુદંડની સજા નોંધાવવાનું શરૂ કર્યું ત્યારથી આ આંકડો સૌથી વધુ છે. બંને સંગઠનોએ પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે 2024ના આંકડા દર્શાવે છે કે આ દેશમાં મોતની સજાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને વિરોધીઓ સામે સરકાર તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે
- Advertisement -
સત્તા પર પકડ બનાવવા પ્રયાસ
આઇએચઆરના ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદામે જણાવ્યું હતું કે, “સરકાર તેનો ઉપયોગ ઇસ્લામિક રિપબ્લિકમાં સત્તા ટકાવી રાખવા અને તેનાં પોતાનાં લોકોનાં અવાજને દબાવવા માટે કરી રહી છે.” લોકોમાં ડર પેદા કરવા માટે પણ આવું કરવામાં આવી રહ્યું છે. સજા પામેલાઓમાં હત્યા, બળાત્કાર, માદક દ્રવ્યોની તસ્કરી, ભ્રષ્ટાચારનાં દોષિતોનો પણ સમાવેશ થાય છે અને સરકાર નિર્દોષો સામે પણ આ પગલાં લઈ રહી છે.
દરરોજ સરેરાશ પાંચ લોકોને ફાંસી આપવામાં આવે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષનાં છેલ્લાં ત્રણ મહિનામાં દરરોજ સરેરાશ પાંચ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. કેટલાક કિસ્સામાં દોષિતોને કાનૂની મદદ કે પોતાનો કેસ રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો ન હતો. જે 975 લોકોને ફાંસી આપવામાં આવી છે, તેમાંથી 31 મહિલાઓ હતી અને ચાર લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી.