ખાસ-ખબર ન્યૂઝ તેહરાન, તા.30
ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતું રોકવા માટે ઈઝરાયેલ અને અમેરિકાએ તેના પરમાણુ મથકો પર હુમલો કરીને તેનો નાશ કરી દીધો. અમેરિકાના બી-2 બોમ્બરોએ ઈરાનના ફોર્ડો સહિતના પરમાણુ મથકોનો ખાત્મો કરી દીધો હોવાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો પણ કર્યો હતો. આઈએઈએએ ચેતવણી આપી છે કે ટ્રમ્પના દાવાઓ છતાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઈરાન ટૂંક સમયમાં તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂૂ કરી શકે છે અને પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતા ઈઝરાયેલે 12 દિવસમાં ઈરાનના પરમાણુ મથકો, મિસાઈલ અને સૈન્ય સ્થળોનો કચ્ચરઘાણ કાઢી દીધો હતો. આટલું ઓછું હોય તેમ અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી પડયું હતું અને અમેરિકાના બી-2 બોમ્બરોએ ઈરાનના ફોર્ડો સહિતના ત્રણ મહત્વના પરમાણુ મથકોનો ખાત્મો બોલાવી દીધો હતો. જોકે, ત્યાર પછી ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પણ થઈ ગયું. આ સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ગંભીર નુકસાન પહોંચાડયું છે.
- Advertisement -
ઈરાને આઈએઈએના પ્રમુખ ગ્રોસીની ફોર્ડો અને અન્ય પરમાણુ સ્થળોની તપાસની માગ નકારી કાઢી છે. ગ્રોસીએ કહ્યું કે, અમને ખબર નથી કે તેના પરમાણુ મથકોને કેટલું નુકસાન થયું છે. શક્ય છે થોડો ભાગ નષ્ટ થયો હોય, પરંતુ થોડો ભાગ બચાવી લેવાયો હોય. ઈરાને આ અંગે જવાબ આપવો પડશે, પરંતુ હાલ તે સહયોગ નથી કરી રહ્યું. આઈએઈએના પ્રમુખ ગ્રોસીએ કહ્યું કે, ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી કેટલાક સ્થળોને નુકસાન થયું છે, પરંતુ આખું માળખું હજુ પણ ઊભું છે. ઈરાન ઈચ્છે તો થોડાક મહિનામાં જ સેન્ટ્રીફ્યુઝ ફરીથી શરૂૂ કરી શકે છે અને સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન કરી શકે છે. ઈરાન અત્યાધુનિક વિકસિત પરમાણુ ટેક્નોલોજીવાળો દેશ છે. ઈરાન પાસે માત્ર પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ જ્ઞાાન અને ઔદ્યોગિક માળખું પણ છે. આઈએઈએએ થોડા દિવસ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે ઈરાને અમેરિકાના હુમલા પહેલાં જ ફોર્ડો પરમાણુ મથકમાંથી 408.6 કિલો સંવર્ધિત યુરેનિયમ અન્ય સ્થળ પર ખસેડી દીધું હોવાની શક્યતા છે. આ યુરેનિયમ 60 ટકા સુધી સંવર્ધિત છે, જે હથિયાર બનાવવા માટેના સ્તરથી થોડેક જ નીચે છે અને આ યુરેનિયમથી 9થી વધુ પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.