ઈરાન સાથે ઈઝરાયેલનો તણાવ મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો રોકી શકે છે જેની અસર ભાવમાં જોવા મળી શકે છે, તો શું ઈરાન-ઈઝરાયલ તણાવથી વધશે ક્રૂડ ઓઇલની કિંમત ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે આપણાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. તાજેતરમાં એવી ચર્ચા હતી કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. જોકે હવે સામે આવ્યું છે કે, ઈરાન સાથે ઈઝરાયેલનો તણાવ મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો રોકી શકે છે. જેની અસર ભાવમાં જોવા મળી શકે છે. જ્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો વધારો થયો હતો. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 74 ડોલરને પાર કરી ગયા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે, આવનારા દિવસોમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો બેરલ દીઠ 10 લાખ સુધી ખોરવાઈ શકે છે. જો આવું થાય તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $80ને પાર કરી શકે છે.
- Advertisement -
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારના આંકડાઓ પર નજર કરીએ તો કાચા તેલની કિંમતો વધી રહી છે. ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. વર્તમાન ડેટા પર નજર કરીએ તો ગલ્ફ દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત દોઢ ટકાના વધારા સાથે 74.64 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. જોકે એક દિવસ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $75.45 પર પહોંચી ગઈ હતી. ઈરાનની મિસાઈલ લોન્ચિંગ બાદથી કાચા તેલની કિંમતમાં 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે WTIની કિંમત 1.63 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ $70.97 પર ટ્રેડ થઈ રહી છે. જોકે એક દિવસ પહેલા ભાવ બેરલ દીઠ $71ને પાર કરી ગયા હતા. જોકે અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમતમાં 24 કલાકમાં 5.53 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
કિંમત $80 સુધી પહોંચી શકે
- Advertisement -
ભૌગોલિક રાજકીય તણાવ ઘણો વધી ગયો છે. જ્યાં અમેરિકા આવીને ઈઝરાયલની સાથે ઊભું છે. બીજી તરફ અન્ય ખાડી દેશો પણ ઈરાન સાથે એક થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં કાચા તેલના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે. નિષ્ણાતોના મતે જો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો નહીં થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરને પાર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર જો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો નહીં થાય તો આગામી દિવસોમાં 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ શકે છે. જેના કારણે કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. બીજી તરફ બુધવારે ઓપેક પ્લસની બેઠક પણ યોજાવા જઈ રહી છે. જેમાં પુરવઠો વધારવા કે યથાસ્થિતિ જાળવી રાખવા અંગે વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં રશિયા પણ ભાગ લેશે. ઈરાનની સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે.
હવે જાણો કે ભારત પર શું થશે અસર?
જો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલર સુધી પહોંચે છે કે તેનાથી વધુ થઈ જાય છે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની યોજના મોકૂફ રાખવામાં આવી શકે છે. ICRAના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. હાલમાં ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ભારતના આયાત બિલનો મોટો હિસ્સો કાચા તેલનો છે. જો ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે તો ભારતનું આયાત બિલ ઘટે છે અને તે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રહે છે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે દેશમાંથી વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધે છે અને ફુગાવો વધે છે. જેની દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડે છે.
કઈ રીતે થાય છે અર્થતંત્રને કેવી અસર ?
RBIના રિપોર્ટ અનુસાર ભારતની કુલ આયાતમાં ક્રૂડ ઓઈલનો હિસ્સો લગભગ 25 ટકા છે જે મધ્ય પૂર્વ અને રશિયાથી આયાત કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટની સીધી અસર ભારતના ફુગાવા પર પડે છે. જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 10 ડોલર વધે છે તો મોંઘવારી દરમાં લગભગ 0.49 ટકાનો વધારો થાય છે. મતલબ કે આ વધારા સાથે ભારતની રાજકોષીય ખાધ 0.43 ટકા વધશે. રિપોર્ટ માને છે કે, આ જ અસર દેશના જીડીપીમાં જોવા મળશે એટલે કે 0.43 ટકાનો ઘટાડો. ઈરાનના હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં પ્રતિ બેરલ 4 ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો ભાવ બેરલ દીઠ $80ને પાર કરશે તો આગામી દિવસોમાં દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે.
શું તમે જાણો છો કે ઈરાનના હુમલા પહેલા શું હતી સ્થિતિ ?
ઈરાન હુમલા પહેલાની સ્થિતિની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં MCX પર કાચા તેલની કિંમતોમાં 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે 28 માર્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $87.48 હતી. 30 સપ્ટેમ્બર સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $16 કરતાં વધુ ઘટી ગઈ હતી. જેના કારણે દેશની ઓઈલ કંપનીઓને મોટો નફો થતો હતો. ICRAના રિપોર્ટ અનુસાર ભારતમાં OMCs પેટ્રોલ પર 15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 12 રૂપિયા પ્રતિ લીટરનો નફો કરતી હતી.