300 કિલો હથિયારો સાથે 2000 કિમી દુર સુધી પ્રહાર કરવા સક્ષમ
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયેલ સાથે કટ્ટર દુશ્ર્મનાવટ રાખીને બેઠેલા ઈરાન પોતાની સૈન્ય ક્ષમતામાં વધારો કરી રહ્યુ છે.ઈરાને હવે દુનિયા સમક્ષ નવુ ડ્રોન રજૂ કરીને કહ્યુ છે કે, તેના વડે ઈઝરાયેલ પર હુમલો કરવો સક્ષમ છે. ઈરાનને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ ડે નિમિત્તે આ ડ્રોનને પહેલી વખત રજૂ કર્યુ હતુ. જેનુ નામ મોહાજિર-10 છે. ઈરાનના રાષ્ટ્રપતિ સહિતના ટોચના મંત્રીઓ તેમજ ઈરાનની સેનાના ટોચના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઈરાનનુ નવુ ડ્રોન અમેરિકાના મારક એમક્યૂ-9 રિપર ડ્રોનની ડિઝાઈનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. જેનો એક ડિવિયો પણ સામે આવ્યો છે. જેમાં આ ડ્રોનને એક અજાણ્યા સ્થળની એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરતુ જોઈ શકાય છે. ઈરાનનો દાવો છે કે, આ ડ્રોન અલગ અલગ પ્રકારના બોમ્બ અને એન્ટી રડાર મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે. આ ડ્રોન પર ઈરાન 80ના દાયકાથી કામ કરી રહ્યુ છે.ઈરાક યુધ્ધ સમયે તેને વિકસિત કરવામાં આવ્યુ હતુ. હવે તેનુ નવુ વર્ઝન લોન્ચ કરાયુ છે.જે 300 કિલો હથિયાર સાથે ઉડવા માટે સક્ષમ છે. તેની મહત્તમ ઝડપ 210 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે 450 લીટર ફ્યુલ સાથે મહત્તમ 7000 મીટરની ઉંચાઈ સુધી અને સતત 2000 કિલોમીટર સુધી રોકાયા વગર ઉડાન ભરી શકે છે. ઈરાન પર આ પહેલા ઈઝરાએલ આરોપ લગાવી ચુકયુ છે કે, ઈઝરાયેલના પશ્ર્ચિમમાં આવેલા હેબ્રોન શહેરમાં ઈઝરાયેલના નાગરિકો પર થયેલા હુમલા માટે ઈરાન જવાબદાર છે.