ફાંસી પામનારાઓમાં 31 મહિલાઓ પણ સામેલ હતી
ઈરાનનો ગજબનો વિક્રમ 2023માં એક વર્ષમાં 834ને ફાંસી આપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ ઇરાન, તા.21
નોર્વે સ્થિત ’ઇરાન હ્યુમન રાઇટ્સ’ (આઇ.એચ.આર.) નામક સંસ્થાએ જણાવ્યું હતું કે, ઇરાનમાં 2024ના વર્ષમાં એક જ વર્ષમાં 975ને ફાંસી આપવામાં આવી હતી. 2008 પછીના છેલ્લા 17 વર્ષોમાં નોંધાયેલો આ સૌથી મોટો વિક્રમ છે. ફાંસી પામનારાઓમાં 31 મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ પૂર્વે 2023માં 834ને ફાંસી આપવામાં આવી હતી જ્યારે 2024માં 975ને ફાંસી અપાઈ હતી એટલે કે સરેરાશ એક જ દિવસમાં ત્રણને ફાંસી અપાઈ હતી.
ગુરુવારે આ માહિતી આપતા આઇએચઆર જણાવે છે કે, ઇરાનમાં ઇસ્લામિક રીપબ્લિકનની સ્થાપના પછી એક પછી એક કંપારી છૂટે તેવા બનાવો બનતા રહ્યા છે આ ફાંસી પામનારાઓમાં ઇરાનની ’એકહથ્થુ સરકાર’ના અનેકવિધ ફતવાઓનો વિરોધ કરનારા જ સમાવિષ્ટ છે. આઇએચઆરના ડાયરેક્ટર મહમૂદ અમીરી મોઘાદૂમે કહ્યું હતું કે, આ સજા ઇસ્લામિક રીપબ્લિકમાં સત્તા પર ટકી રહેવા માગતા ’માધાતાઓ’ દ્વારા જ કરવામાં આવી છે તેનું કારણ સીધુ અને સમજાય તેવું છે તે એ કે આ સજા પામેલાઓ તે જુલ્મી શાસનનો વિરોધ કરતા હતા. આ હ્યુમન રાઇટ્સ ગુ્રપ તેમ પણ જણાવે છે કે, વિરોધને કચડવામાં ઇરાન, ચીન પછી આવી ઉભું છે. ત્યાં (ચીનમાં) તેમજ ઇરાનમાં સત્તાધિશો દેહાંત દંડની સજાનો ભય ફેલાવીને જનતાને દબાવી દેવા માંગે છે. વિશેષત: તો આ થીઓક્રસી (ધાર્મિક શાસન) સામે 2022થી વિરોધનો જુવાળ શરૂ થયો તે પછી, આવી ભયંકર સજાઓ શરૂ કરાઈ છે.
ઇરાનમાંથી પશ્ર્ચિમના પીઠબળવાળા શાહને 1979માં ’ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ’ તરીકે ઓળખાતા જૂથે દૂર કરી પોતાની સત્તા સ્થાપી અને પશ્ર્ચિમના કાનૂનોના આધારે ઘડાયેલા કાનૂનો ફગાવી દઈ શરીયામાં જણાવેલા કાનૂનોનો અમલ શરૂ કર્યો. તે પ્રમાણે હત્યા, બળાત્કાર, નશીલી દવાઓ માટેના કઠોર કાનૂનો હોય તે સહજ છે પરંતુ તેમાં ’પૃથ્વી ઉપરનો ભ્રષ્ટાચાર’ અને રાજ્ય સત્તા સામેના વિપ્લવને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા.
પહેલા તો ફાંસી જેલોમાં અપાઈ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જાહેરમાં ફાંસી અપાઈ રહી છે. ઇરાનમાં સુધારાવાદી નેત્રી માશા અમીનીનું કસ્ટડીમાં જ મૃત્યુ થયું તે પછી તો વિરોધ વધતો ગયો છે. માશા અમિનીએ ઇસ્લામિક રીપબ્લિકે જાહેર કરેલા મહિલાઓ માટેના પોષાકના નિયમો (ડ્રેસ કોડ)નો વિરોધ કર્યોતે તેનો ’અપરાધ’ હતો.
આ કટ્ટરવાદી સરકારનો વિરોધ કરવા જાન્યુ. 2022માં મોહમ્મદ ગોબાદલુનામક 23 વર્ષના યુવાને એક પોલીસને કારની ટક્કર મારી તે માટે તેને 2024માં મૃત્યુ દંડ અપાયો હતો. વાસ્તવમાં જે કોઈ કટ્ટરવાદનો વિરોધ કરે તેને (તેના અગ્રણીઓને) ફાંસી આપવી તે ઇરાનનો શિરસ્તો બની ગયો છે.