માત્ર દંડાથી જ નહીં, દિમાગ અને ટેક્નોલોજીથી અપરાધીને પાતાળમાંથી ખોળી સાફ કરનારા જિનિયસ અફસર
સ્વભાવે એકદમ સરળ, સાલસ પણ અનુભવનો મહેરામણ: ‘સ્વ’ પૂરતા સિમિત નહીં રહેવાની પેશને બનાવ્યા સર્વસ્વના
કિન્નર આચાર્ય
કચ્છના હરામી નાળા થકી એ સમયે પાકિસ્તાની ઘૂસણખોરી ખૂબ થતી. વિકટ ભૂગોળના કારણે એ ઘૂસણખોરી રોકવાનું આસાન પણ ન હતું. એ સમયે કચ્છમાં તહેનાત એક આઇ.પી.એસ. અધિકારીના ધ્યાનમાં આ વાત આવી. તેમનું ટેક્નોસેવી દિમાગ તરત જ ચમક્યું. વિચાર આવ્યો કે, શું સેટેલાઇટ ઇમેજ દ્વારા આ સમસ્યા ઉકેલી ન શકાય? તેઓ અમદાવાદ – ઈસરો ખાતે ધસી ગયા. ત્યાંથી જાણવા મળ્યું કે, આવી ઇમેજ માત્ર ઈસરો – હૈદરાબાદ પાસે જ ઉપલબ્ધ હોય છે અને તેઓ એક ઈમેજ માટે 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે! પરવડે તેમ જ ન હતું. અધિકારી દિલ્હી – એક સેન્ટ્રલ એજન્સી પાસે પહોંચ્યા. એજન્સીના સાહેબોને પણ નવાઈ લાગી, એક આઇ.પી.એસ અધિકારીને આટલી તન્મયતાથી, તલ્લીન બનીને એક મુદ્દે મહેનત કરતા જોઈને તેમણે સેટેલાઇટ ઇમેજીસની વ્યવસ્થા નિ:શુલ્ક કરી આપી. એ પણ નિયમિત ધોરણે! આ ઇમેજીસ થકી ઘૂસણખોરીની આખી મોડસઑપરેન્ડી જાણવા મળી. અનેક સ્ફોટક વિગતો હાથ લાગી અને એ બધી જાણકારીની સહાયથી પછી હરામી નાળા વાટે થતી ઘૂસણખોરી પર મહદ્દઅંશે કાબૂ આવી ગયો. પેલા ટેક્નોસેવી આઇ.પી.એસ અધિકારીના દિમાગમાં ખુરાફાતી વિચાર આવ્યો ન હોત તો એ સમસ્યા વધુ વકરે તેવી સ્થિતિ હતી. અને એ યશના હક્કદાર અધિકારી એટલે હાલ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇ.પી.એસ. અધિકારી, મનોજ અગ્રવાલ.
સાહેબ મજાનાં માણસ છે. એમનાં અનુભવો સાંભળતા હોઈએ તો ઊભા થવાનું મન જ ન થાય. સ્વભાવે એકદમ સરળ, સાલસ. પરંતુ અનુભવોનો મહેરામણ. તેઓ સુરતમાં અઈઙ હતાં ત્યારે ત્યાંના પાર્લે પોઇન્ટ પર થયેલા એક શૂટઆઉટ કેઇસના આરોપીને પકડવા મુંબઈ ધસી ગયા હતા. બાતમી એકદમ પાક્કી હતી. શૂટર દાઉદ ગેંગનો હતો. એ અરસામાં મુંબઈમાં દાઉદના નામનાં ડંકા વાગતા હતા. ઈંઙજ અગ્રવાલ બાતમી મુજબ ચોપાટી પહોંચી ગયા. પેલા શુટરને દૂરથી જોતાવેંત જ સિફતપૂર્વક તેની પાસે પહોંચીને તેને ગરદન ઝાલી ગાડીમાં નાંખી દીધો અને સુરત ભેગો કર્યો ! આવો જ એક યાદગાર કેઇસ વડોદરામાં ફરજ દરમિયાન બન્યો. તે સમયે વડોદરાના પ્રતિષ્ઠિત અગ્રણી ગણાતા હરિવલ્લભ પરીખ પર એક આદિવાસી સગીર બાળા પર બળાત્કારનો આરોપ મૂકાયો. એક સાદી અરજી મળી હતી. મનોજ અગ્રવાલે પગેરું દબાવ્યું. પેલી છોકરીનું પરાણે અબોર્શન કરાવી નાંખવામાં આવ્યું હતું. આઇ.પી.એસ. અગ્રવાલે તેનો ગર્ભ શોધી કાઢ્યો અને તેનો ડી.એન. એ. ટેસ્ટ કરાવ્યો. હરિવલ્લભ પરીખના ડી.એન.એ. સાથે એ મેચ થયું. યાદ રહે: ગુજરાતનો એ પ્રથમ ડી.એન.એ. ટેસ્ટ હતો! ભારે વગદાર ગણાતા અને ઊંચા ઊંચા રાજકીય સંપર્કો ધરાવતા હરિવલ્લભ જેલમાં ગયા, તેમને સજા પણ થઈ.
યાદગાર કેઇસની તેમની યાદી બહુ લાંબી છે. 26 જાન્યુઆરીના ભયાનક ભૂકંપ સમયે તેઓ અમદાવાદમાં ફરજ બજાવતા હતા. ભૂકંપ પછી જાતે જ તેઓ લોકોની સહાય કરવા નીકળી પડ્યાં. ભૂકંપના 72 કે 96 કલાક પછી પણ ઘણાં લોકોને કાટમાળ માંથી જીવતા બચાવી લીધાં. એવાં દોઢેક ડઝન લોકો આજે પણ તેમનો અવારનવાર આભાર માનતા રહે છે.
મનોજ અગ્રવાલ એક જીનિયસ પોલીસ ઓફિસર છે. હું નથી કહેતો – તેમનો પ્રોફાઈલ કહે છે, તેમનો ટ્રેક રેકોર્ડ કહે છે. ભણવામાં હંમેશા અવ્વલ રહ્યાં. ગણિત વિજ્ઞાનમાં પહેલેથી જ આગળ. મૂળ ઉત્તરપ્રદેશના લખનૌનાં તેઓ. પરિવાર માંથી સિવિલ સર્વિસીઝમાં અનેક લોકો પહેલેથી જ હતાં, તેથી આઇ.આઇ.ટી. જેવી અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થા માંથી ઈલેક્ટ્રોનિક્સ – ઈલેક્ટ્રીકલનાં ટોપર તરીકે સ્નાતક થયા પછી પણ વિદેશ સ્થાયી ન થયાં. એમને ઑફરો તો વિદેશમાંથી અનેક હતી. પણ જવું જ ન હતું. દેશમાં રહીને જ કશુંક કરવા માંગતા હતા. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષામાં દેશભરમાં બીજા સ્થાને રહ્યાં, રિજિયોનલ એક્ઝામ્સમાં પ્રથમ રહ્યાં પરંતુ અંતે સિવિલ સર્વિસીઝમાં જ આવ્યા. ધાર્યું હોત તો આનાંથી અનેકગણા ઊંચા પેકેજની નોકરી તેમને મળે તેમ હતી. પરંતુ તેમણે ન સ્વીકારી. તેઓ કહે છે: ” સિવિલ સર્વિસીઝ એ લોકસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, મારે આ માધ્યમ થકી વધુ ને વધુ લોકોનાં જીવનમાં પરિવર્તન આણવું હતું”. અને ખરેખર તેઓ અનેક જિંદગીઓમાં પરિવર્તન લાવી રહ્યાં છે.
- Advertisement -
IPS મનોજ અગ્રવાલ આપે છે ગોલ્ડન ટિપ્સ…
અહીં આઇ.પી.એસ. મનોજ અગ્રવાલ સૌરાષ્ટ્ર – ગુજરાતનાં યુવાવર્ગને સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ આપવા માટે પ્રેરણા આપતી કેટલીક વાતો કરે છે…
ગુજરાત – સૌરાષ્ટ્રનો યુવાવર્ગ સિવિલ સર્વિસીઝમાં કેમ વધુ જતાં નથી, એ વિશે…
ગુજરાતી યુવાવર્ગમાં ભરપૂર ક્ષમતા છે. અત્યાર સુધી ઓછા ગુજરાતીઓ આવી કસોટી પાસ કરતા હતાં, એ વાત સાચી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હું માનું છું કે, હજુ પણ યુવાવર્ગને વધુ ને વધુ મોટીવેટ કરવાની જરૂર છે. મને લાગે છે કે, ગુજરાતીઓમાં ધંધા – ઉદ્યોગની આવડત ખૂબ છે. તેથી ઘણાં યુવાનો ધંધામાં ચડી ગયા પછી આવી કસોટીમાં રસ લેતાં નથી.
આત્મસંતોષ માટે શ્રેષ્ઠ માધ્યમ…
ગુજરાતીઓમાં જ્ઞાનની, આવડતની ઉણપ નથી. પરંતુ સિવિલ સર્વિસીઝ માટે બે – ચાર વર્ષ ઊંધુ ઘાલીને મચી રહેવુ પડે. ખૂબ મહેનત કરવી પડે. પરંતુ અથાગ પરિશ્રમ બાદ સિલેક્ટ થવાનો આનંદ અલગ જ હોય છે. આ એક એવું માધ્યમ છે જેનાં થકી તમે રાષ્ટ્રનિર્માણમાં તમારું યોગદાન આપી શકો. તમારું જ્યાં પોસ્ટિંગ થાય, તે વિસ્તારના વિકાસમાં તમારો ફાળો આપી શકો. બીજાનાં જીવનમાં ખુશાલી પ્રસરાવવાનો આનંદ અનેરો હોય છે. એ તમને ખૂબ આત્મસંતોષ આપે છે.
- Advertisement -
અગાઉની પરિક્ષા, હાલની પરિક્ષા…
અમારા સમયમાં બબ્બે વિષયો હતા, હવે એક જ છે. હવે ઓનલાઈન રેફરન્સ મટીરિયલ, ઓનલાઇન કોચિંગ ઉપલબ્ધ છે. યુવાઓ માટે ચિક્કાર સવલતો – સુવિધાઓ છે. યુવાવર્ગને બધું જ ઘરઆંગણે ઉપલબ્ધ છે. અમારા સમયમાં અમારે પાંચ – દસ વર્ષના પેપર્સ ખંખોળવા પડતાં, જનરલ નોલેજ મેળવવું પણ હરગીઝ આસાન નહોતું.
યુવાવર્ગે કેવી તૈયારીઓ કરવી…
તમને જે વિષયમાં રસ હોય તેનાં માસ્ટર થવું જરૂરી છે. તેમાં ખૂબ ઊંડી રૂચિ રાખો. એ વિષયે સતત અપડેટેડ રહો. મને આધુનિકરણ, ટેક્નોલોજીમાં ઊંડો રસ છે. આ વિશે હું સતત જાણતો રહું છું, માણતો રહું છું. ટેક્નોલોજીનું મને જબરદસ્ત આકર્ષણ છે. હું મારા એ શોખનો પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ઉપયોગ કરતો રહું છું. આ ઉપરાંત મને લોન ટેનિસ, બેડમિન્ટન, ગોલ્ફ વગેરેમાં પણ સારો રસ છે.
ભણતર – અભ્યાસ ઉપરાંત શું જરૂરી…
ઈત્તરપ્રવૃત્તિઓ પણ ઘડતર માટે બહુ જરૂરી હોય છે. અગાઉ હું પણ માત્ર અભ્યાસમાં જ ડૂબેલો રહેતો. એક પરિક્ષામાં મને ’એ’ ગ્રેડ ન આવ્યો. એ ઘટનાએ મારામાં જબરદસ્ત પરિવર્તન આણ્યું. પછી હું ઈત્તરપ્રવૃત્તિઓ, સ્ટુડન્ટ પોલિટિક્સ, વગેરેમાં પણ ખૂબ રસ લેવા માંડ્યો, અનેક પદ ભોગવ્યા. આ ઈત્તરપ્રવૃત્તિઓ મનુષ્યને ઓલરાઉન્ડર બનાવે છે. જો કે, મારા રસનાં વિષયોમાં અધ્યાત્મ પણ છે. આજે પણ ક્યારેય સ્નાનાદિ, પૂજા કર્યા પહેલાં ચા સુધ્ધાં પીતો નથી. રોજ રામાયણનો પાઠ કરું, દર મંગળવારે સુંદરકાંડના પાઠ કરું,નવરાત્રી, શિવરાત્રી, શ્રાવણ વગેરેના ઉપવાસ કરું. શ્રદ્ધા અને અધ્યાત્મ પણ માણસને મનોબળ અને શક્તિ આપે છે.