રૂા.160 કરોડ લોન કેસ અથવા કામના ભારણમાં આપઘાત ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખાના ચીફ મેનેજર સીયારામ રામ પ્રસાદે બેંકની લોબીમાં આવેલ રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. જયારે આપઘાત કરનાર યુબીઆઇ બેંકના ચીફ મેનેજરના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં કામના ભારણના લીધે અંતિમ પગલુ ભર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. આ આપઘાત મામલે એવી પણ વાત સામે આવી રહી છે કે, એક પાર્ટીએ બે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી રૂા.160 કરોડથી વધુની લોન લીધા હોવાનું તેમજ તેનુ જીએસટી કૌભાંડ પણ હોઇ શકે ? તદ ઉપરાંત લોન માટે ગોડાઉનમાં જે માલ પડયો છે. તેની વિગતો આપવામાં આવી હતી તે માલ પણ હાજર ન હોવાનું સુત્રોમાંથી માહિતી મળી રહી છે. જયારે આત્મહત્યા પાછળના કારણમાં જવાબદાર કોણ અને સ્યુસાઇડ નોટમાં શું વધુ વિગતો બહાર આવશે તે તરફ પોલીસ દ્વારા જીણવટભરી તપાસ શરૂ કરી છે.