ખાસ-ખબર ન્યૂઝ લંડન
બ્રિટનમાં હેટ સ્પીચ સામે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. હેટ સ્પીચના આરોપમાં 24 મસ્જિદોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ મસ્જિદોને મૂળ પાકિસ્તાનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મસ્જિદો બ્રિટનના લંડન, બર્મિંગહામ, લિવરપૂલ અને માન્ચેસ્ટર જેવા શહેરોમાં છે. આ મસ્જિદોમાંથી બિન-મુસ્લિમો વિરુદ્ધ દ્વેષપૂર્ણ સ્પીચના ફતવા બહાર પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠન હમાસ અને તેના સભ્યોના સમર્થનમાં આ મસ્જિદોમાંથી નફરતભર્યા ભાષણ આપવાના પણ આરોપ છે. જો આરોપીઓ દોષીત સાબિત થાય તો તેમને 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી આ મસ્જિદોમાંથી નફરત ફેલાવવાની ઘણી ફરિયાદો આવી છે. તેના પર એવા મૌલવી અને ધર્મપ્રચારકોને આમંત્રણ આપવાનો આરોપ છે જેઓ ઇઝરાયલ અને યહૂદીઓ સામે ઝેર ફેલાવે છે.
જુલાઈમાં લેબર સરકાર સત્તામાં આવ્યા બાદ આ મામલે એક્શનમાં આવી છે. યુકે સરકારે આવી 24 થી વધુ મસ્જિદોની પ્રવૃત્તિઓ અને ભંડોળની તપાસનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, હેટ સ્પીચવાળા ભાષણો વાયરલ થયા બાદ આ મસ્જિદોના ફંડિંગની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા ચેરિટી કમિશનના વડા હેલેન સ્ટીફન્સને ભાસ્કરને જણાવ્યું હતું કે, “અમે આની તપાસ કરી રહ્યા છીએ અને એ પણ વિચારી રહ્યા છીએ કે શું નિયમોનું ઉલ્લંઘન કરતી મસ્જિદોને તેમનો ચેરિટી દરજ્જો રદ્દ કરવો જોઈએ.” બર્મિંગહામની મોહમ્મદી મસ્જિદના મૌલવી અબુ ઇબ્રાહિમ હુસૈનએ નમાઝીઓને કહ્યું કે, “ઓ મુસ્લિમો, મારી પાછળ એક યહૂદી છે, આવો અને તેને મારી નાખો.” મોહમ્મદી ટ્રસ્ટને છેલ્લા બે વર્ષમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. પૂર્વ લંડનમાં તૌહીદ મસ્જિદના મૌલવી શેખ સુહૈબ હસને ઇઝરાયલ પર હમાસના હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો. કેટલાક યહૂદી કાર્યકરોએ બ્રિટનની મસ્જિદોમાં અપાતા નફરતભર્યા ભાષણોનું એક ડોઝિયર તૈયાર કર્યું છે અને તેને બ્રિટિશ પોલીસ સાથે શેર કર્યું છે. બ્રિટનમાં તપાસ હેઠળની મસ્જિદો મૂળ પાકિસ્તાની લોકો ચલાવે છે.