સાર્વજનિક સંપત્તિમાં ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, પર્યાવરણને નુકસાન, સ્વાસ્થ્ય સંબંધી કૌભાંડ, દેશવિરોધી ષડ્યંત્ર, સરકારી કામકાજમાં ગોટાળા, મોટા પ્રમાણમાં છેતરપીંડી વગેરે મામલાઓમાં આ પ્રકારનું પત્રકારત્વ કરવામાં આવે છે.
– ભવ્ય રાવલ
પત્રકારે એ તમામ સાર્વજનિક મામલાઓ ઉજાગર કરવાના હોય છે જેને જાણી જોઈને છૂપાવવા આવે છે કે ઈરાદાપૂર્વક જાહેર થતા રોકવામાં આવે છે. અસત્ય આંકડાઓ અને માહિતી રજૂ થતી લાગે ત્યારે સત્ય આંકડાઓ અને માહિતીની શોધ પત્રકારે કરવાની રહે છે. તથ્ય આધારિત સમાચારો શોધવા એ ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ છે. તેને હિન્દીમાં ખોજી પત્રકારિતા પણ કહેવાય છે. ગુજરાતીમાં તેને જાસૂસી પત્રકારત્વ અથવા સંશોધનાત્મક પત્રકારત્વ પણ કહે છે. એ એક ગહન અને મહત્વપૂર્ણ રિપોટીંગ છે. સાર્વજનિક સંપત્તિમાં ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, પર્યાવરણને નુકસાન, સ્વાસ્થ્ય સંબંધી કૌભાંડ, દેશવિરોધી ષડ્યંત્ર, સરકારી કામકાજમાં ગોટાળા, મોટા પ્રમાણમાં છેતરપીંડી વગેરે મામલાઓમાં આ પ્રકારનું પત્રકારત્વ કરવામાં આવે છે. ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમમાં એક સ્ટોરી કરવા પાછળ પત્રકારને ક્યારેક એકાદ-બે અઠવાડિયા, ત્રણ-ચાર મહિનો કે વર્ષોના વર્ષો પણ લાગી શકે છે. ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમમાં પાક્કા પૂરાવાઓ મેળવવા ક્યારેક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવે છે.
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર ભૂપતભાઈ વડોદરિયા હતા. ગુજરાતમાં ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઈ વડોદરિયાનો ફાળો અનેરો છે. ઉપરાંત આ યાદીમાં કાંતિભાઈ ભટ્ટનો સમાવેશ કરી શકાય. આ બંને પત્રકારોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી. પરંતુ હવે ખોજી ખબરો પણ તૈયાર મળે છે. કદાચ એટલે જ ગુજરાતી પત્રકારત્વ દ્વારા કૌભાંડો સિવાય સનસનાટી મચાવતી ખબરો દરરોજ મળતી રહે છે. ગુજરાતી પત્રકારત્વ કરતી કેટલીક સંસ્થાઓને બાદ કરતા જોઈએ તેટલું આક્રમક અને સ્પર્ધાત્મક બન્યું નથી તેથી તેમાં ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ – ખોજી પત્રકારિતા – જાસૂસી પત્રકારત્વ અથવા સંશોધનાત્મક પત્રકારત્વ પ્રમાણ નહીવત જોવા મળે છે. જેનું પ્રમુખ કારણ છે, આ પ્રકારનું પત્રકારત્વ કરવા માટે પત્રકારને ગુજરાતી મીડિયાહાઉસ દ્વારા કોઈ ખાસ પેકેજ કે રક્ષણ મળતું નથી. જોકે તેમાં સ્થાનિક પત્રકારત્વની સંસ્થાઓ પણ કશું કરી શકે તેમ નથી.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશ માટે શરમજનક બાબત છે કે, લોકશાહીનાં પ્રમુખ ચાર સ્તંભોમાના એક સ્તંભ, ચોથી જાગીરનાં સિપાહી એવાં પત્રકાર માટે સુરક્ષા કાનૂન નથી! આ હકીકત એકદમ સાચી અને કડવી છે. આજે પણ દેશમાં અંગ્રેજોએ બનાવેલો કાયદો પીઆરબીપી એક્ટ 1867 કેટલાંક નાના-મોટા સુધારાઓ સાથે અમલમાં છે. જીવ જોખમમાં મૂકી ખબરોનું શોધ, સંપાદન અને પ્રકાશન કરનાર પત્રકાર સુરક્ષિત તો નથી જ સાથોસાથ પ્રેસ સ્વતંત્રતાને પણ અભિવ્યક્તિનાં અધિકાર 19(1) ક મુજબ રાખવામાં આવ્યો છે. મતલબ સ્પષ્ટ છે, સત્યના શોધક માટે કોઈ એવો પણ કાયદો નથી જેમાં તેને સત્યને ઉજાગર કરવાનો વિશિષ્ટ હક્ક પ્રાપ્ત હોય. આમ, ભારતનો પત્રકાર એટલી જ સત્તા અને શક્તિ ધરાવે છે જેટલી સત્તા અને શક્તિ સોશિયલ મીડિયામાં કોઈ સામાન્ય ખબર પોસ્ટ કરનાર પાસે હોય. પત્રકારો માટેના કોઈ ચોક્કસ કાયદા અને નિયમો ન હોય, સમાજ માટે અતિ લાભકર્તા સંશોધનાત્મક પત્રકારત્વ વધુ પ્રમાણમાં થઈ શકતું નથી.
- Advertisement -
ખોજી પત્રકારિતા કરનાર ખબરી પાસે સત્તા અને શક્તિ નથી?
દુનિયાભરનાં પત્રકારોની ચિંતા બાજુ પર રાખી દેશનાં જ કેટલાંક વિસ્તારો જેવા કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, અસમ અને દક્ષિણભારત બાજુના આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદગ્રસ્ત વિસ્તારોમાં નાની-નાની ખબરો માટે જજુમતા જર્નાલિસ્ટ માફિયા અને મિનિસ્ટર્સની શક્તિ અને સત્તાનો નિશાનો બને છે. જો કે, આ ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ – સ્ટિંગ ઓપરેશનનું એક પરિણામ જ છે. જી હા, ઈંટરનેટ અને સૂચનાના અધિકારથી (આરટીઆઈ) વડે આજનું પત્રકારત્વ સશક્ત અને સરળ બન્યું છે. જો કે, તેનો દૂરપયોગ એ ગેરફાયદો છે તો પણ માત્ર હકારાત્મક બાજુ પર નજર કરીએ તો એવી ઘણી બાબતો છે જે જાણવી અઘરી પણ જરૂરી હોય છે. સત્યનાં મૂળમાં લોકહિત રહેલું દેખાય છે ત્યારે પત્રકાર શોધ-સંશોધનાત્મક પત્રકારત્વ યાની ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ પ્રેરાય છે. જે પત્રકારત્વની એક શૈલીનું પરિણામ છે – જર્નાલિસ્ટની જાન જોખમમાં.
માઈ લાઈ કોડ, વોટરગેટ, જૈક એંડર્સનનાં પેંટાગન પેપર્સ જેવા આંતરરાષ્ટ્રીય કાંડથી લઈ સિમેન્ટ, બોફોર્સ, તાબૂત ગોટાળા કાંડ, સ્ટોક એક્સચેન્જ સ્કેન્ડલ ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમના એક્ઝામપલ્સ છે વળી, આ બધું ત્યારે પત્રકારત્વના માધ્યમથી પ્રકાશમાં આવ્યું જ્યારે આધુનિક સંચાર માધ્યમો ન હતા. ઈંટરનેટ અને આરટીઆઈ આવ્યા પછી પણ 2જી સ્પ્રેક્ટમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ અને તાજ કોરીડોર કાંડથી લઈ સંસોધનાત્મક પત્રકારત્વ મારફત માલૂમ પડેલા કાંડની સૂચી લાંબી છે. બેશક આ બધા પાછળ કોઈ એક કે વધુ પત્રકારે પોતાના જીવનની બાજી દાવ પર લગાવી હશે પણ ફાયદો કોને થયો? વિપક્ષને. અને મીડિયાને શું મળ્યું? પોતાના ખબરીનું ખૂન. કલમ અને કેમરાથી સચ્ચાઈને પ્રસ્તુત કરતા પત્રકારોને ઈમાનદારીની કિંમત પોતાનાં જીવની કુરબાની આપી ચૂકવવી પડે છે. એમાં પણ ખાસ કરીને ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ સાથે જોડાયેલા પત્રકારો અને તેમનાં પરિવારોને સતત ભયનાં પડછાયા હેઠળ જીવવું પડતું હોય છે, અકારણ સેલિબ્રિટીથી લઈ ટેરીરીસ્ટનાં રોષનો ભોગ બનવો પડે છે. અન્યો માટે ન્યાયની લડત ચલાવનારા ક્યાં સુધી અન્યાય સહન કરશે? પત્રકારોની હત્યા કરનારા કે પત્રકારો પર હુમલાઓ કરનારા ક્યારેય પકડાયા હોય એવું ભાગ્યે જ જાણમાં છે અને તેમને સજા મળી હોય તેવા કિસ્સા તો જૂજ જ હશે.
પત્રકારત્વ. એક એવો વ્યવસાય છે જેની ખુમારી, ખુદ્દારી અને ખબરદારી લાજવાબ હોય છે. યશ, ધન, સત્તાની આ કલમ-કેમરા, પેપર-ઓડિયો-વ્યુઝિઅલ આધારિત દુનિયા દૂરથી ડુંગર રણીયામણા પાસે જઈ જૂઓ તો બિહામણા કહેવત જેવી છે. એક રીતે જોવા જઈએ તો મીડિયા અલ્લાદિનનો ચિરાગ છે જેની પાસે સત્તાથી લઈ શ્રુષ્ટિની કાયાપલટ કરવાની શક્તિ છે તો બીજી તરફ પત્રકારની જીદ અને જનૂનનો અંજામ શું હોઈ શકે એ પણ આપણે જાણીએ છીએ. પત્રકારત્વનાં ઉદયથી લઈ આજ સુધી પત્રકારો ઘણી વખત નિ:સહાય અને લાચાર બનતા આવ્યા છે. સત્યનો સારથિ ઘણી વખત અન્યાયનો ભોગ બન્યો છે. ફક્ત ભારત જ નહીં વિશ્વભરની સરકાર ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ દરમિયાન જર્નાલિસ્ટની મર્ડર પર નિંદા અને નારાજગીથી વિશેષ કશું જ કરી શકી નથી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કલમ અને કેમેરાના હથિયારનો ઉપયોગ કરવા બદલ કઈકેટલાય પત્રકારોને કારાવાસ સજાથી લઈ સરેઆમ કતલ થઈ ચૂક્યા છે. કદાચ હવે સમય આવી ગયો છે, દરેક પત્રકારે સમાજની સાથે પોતાના હકથી વાકેફ બની અધિકારોની લડત ચલાવવાનો. સમાજને અરીસો દેખાડનારાઓએ, બેબસ લોકોના અવાજને બેબાકીથી રજૂ કરનારાઓએ પોતાને અરીસામાં જોવાની જરૂર છે કે, હકીકતમાં આપણે જે પત્રકારત્વ કરીએ છીએ તે આપણા માટે કેટલું ઓછુ જોખમી છે? અલબત્ત આપણા દેશની એ ખામી છે કે, પત્રકાર સિવાય કોઈપણ યુનિયન દેશની અર્થવ્યવસ્થા ખોરવી દેવાની તાકાત અને ઔકાદ ધરાવે છે. દરેક મીડિયાહાઉસએ અને મીડિયામેનએ પણ પોતાના સામાજીક અને આર્થિક હિત માટે લડવું પડશે નહીં તો ના રહેગા બાસ ન બજેગી બાંસુરી.
વધારો : ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ – સ્ટિંગ ઓપરેશન દરમિયાન પત્રકારોની હત્યા થવાના મામલામાં ઈરાક, અફઘાનીસ્તાન અને મેક્સિકો સૌથી વધુ કુખ્યાત છે. આ ઈસ્લામિક દેશો બાદ યમન, ગ્વાટેમાલા, સીરિયા તથા ભારત અને પાકિસ્તાનનું નામ મોખરે છે. ઈંટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ અને પત્રકાર ટ્રેડ યુનિયનોના સૌથી મોટા સંઘની આંકડાકીય માહિતી મુજબ ભારતમાં પત્રકારોની વાર્ષિક હત્યાનો આંક વર્ષ દર વર્ષ વધી રહ્યો છે. પત્રકારોની હત્યાના મામલામાં યુ.પી સૌથી વધુ બદનામ છે. વિદેશોમાં પત્રકારોની હત્યા બોમ્બ હુમલામાં, યુદ્ધ કે અશાંતિમય ક્ષેત્રોના રીપોટીંગ દરમિયાન થાય છે જ્યારે ભારતમાં પત્રકારની હત્યા ઓફીસથી ઘર જતા સમયે થાય છે!