હાઈકોર્ટના કેસ સંદર્ભે દુર્ઘટના પીડિતોને સહાય ચૂકવવા બેંકના કામકાજ માટે જામીન માંગ્યા, 4 માર્ચે સુનાવણી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા કેસ સંદર્ભે છેલ્લા 21 દિવસથી જેલવાસ ભોગવી રહેલા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે જેલમુક્તિ માટે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે જેની સુનાવણી આગામી તા. 4 માર્ચના રોજ થશે.
ગત તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ ઓરેવા ગ્રુપ સંચાલિત મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નિપજતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે ગઈકાલે ઓરેવાના એમડી જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં વચગાળાના જામીન ઉપર મુક્ત થવા અરજી કરી છે. જયસુખ પટેલની વચગાળાની જામીન અરજીમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત વળતર ચૂકવવા માટે બેન્કિંગ કામકાજ સબબ પોતાને જેલ બહાર નીકળવું જરૂરી હોય નામદાર કોર્ટને જામીન આપવા રજુઆત કરવામાં આવી છે. આ જામીન અરજીની સુનાવણી આગામી તા. 4 માર્ચના રોજ થવાની હોવાનું જાણવા મળ્યું છે.