પાકિસ્તાન ભારતનો ચોરેલો ભાગ પાછો આપી દે એટલે જમ્મુ અને કાશ્મીર વિવાદનો તુરંત ઉકેલ આવી જશે : વિદેશમંત્રી
વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર બ્રિટનના પ્રવાસે છે ત્યારે લંડનમાં ગુરુવારે ખાલિસ્તાની સમર્થકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ ચેથમ હાઉસ થિંક ટેંકમાં યોજાયેલા કાર્યક્રમ પછી તેમની કારથી પાછા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં દેખાવો કરી રહેલા સમર્થકોમાંથી એકે તેમની કાર સામે આવી હુમલાનો પ્રયત્ન કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની આકરી ટીકા કરી છે અને બ્રિટિશ સરકાર તેની કૂટનીતિક જવાબદારીઓ નીભાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બીજીબાજુ જયશંકરે ચેથમ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનને રોકડું પરખાવી દેતા કહ્યું કે, તેણે પીઓકે ભારતને સોંપી દેવું જોઈએ.
- Advertisement -
વિદેશ મંત્રી જયશંકર ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની ૬ દિવસની મુલાકાતે લંડન આવ્યા છે ત્યારે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં યોજેલા કાર્યક્રમમાં ‘ભારતનો ઉદય અને વિશ્વમાં તેની ભૂમિકા’ પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે કાશ્મીર ખીણના પ્રશ્નો ઉકેલવા માટે ભારત સરકારે કલમ ૩૭૦ દૂર કરવા સાથે ખીણ પ્રદેશમાં વિકાસ તથા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પણ યોજી છે, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરી વિક્રમ સર્જ્યો છે.
ચેથમ હાઉસ થિંક ટેંકમાં ચર્ચા સમયે વિદેશ મંત્રી જયશંકરને એક પત્રકારે કાશ્મીર મુદ્દે સવાલ કર્યો હતો. જવાબમાં જયશંકરે કહ્યું કે, કાશ્મીરમાં શાંતિની પ્રક્રિયાનો ત્રણ તબક્કામાં અમલ કરાયો છે. સૌથી પહેલાં કલમ ૩૭૦ હટવાઈ. તે પહેલું પગલું હતું. ત્યાર પછી કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક ન્યાયનો અમલ કરાયો હતો. ત્રીજું પગલું કોઈપણ ભય વિના સારી ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું. વિદેશ મંત્રીએ આગળ ઉમેર્યું કે, મને લાગે છે કે અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે પાકિસ્તાન તેણે ચોરેલો ભાગ પીઓકે ભારતને પાછો આપી દે. આ કામ થઈ જશે પછી કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.
એસ. જયશંકર ચેધમ હાઉસ થિંક ટેંકથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ઈમારતની બહાર કેટલાક ખાલિસ્તાની સમર્થકો દેખાવો કરી રહ્યા હતા. જયશંકર તેમની કારમાં બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે એક ખાલિસ્તાની સમર્થક પોલીસ ઘેરો ચૂકવીને તેમની કાર સામે આવી ગયો હતો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. તેણે ભારતનો રાષ્ટ્રધ્વજ ખેંચી ફાડી નાંખ્યો અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવા લાગ્યો હતો. જોકે, લંડન પોલીસે ખાલિસ્તાની સમર્થકને કાબુમાં કરતા જયશંકરને ત્યાંથી સુરક્ષિત રવાના કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. હવે ભારતમાં વિદેશ મંત્રાલયે આ ઘટનાની આકરી ટીકા કરી છે. મંત્રાલયે કહ્યું કે, અમે વિદેશ મંત્રીના બ્રિટન પ્રવાસ સમયે સુરક્ષા ભંગના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિની આકરી ટીકા કરીએ છીએ. અમે આવા તત્વોના લોકતાંત્રિક સ્વતંત્રતાના દુરુપયોગની પણ ટીકા કરીએ છીએ. અમને આશા છે કે આવા કેસોમાં બ્રિટનની સરકાર તેની રાજકીય જવાબદારીઓનું સંપૂર્ણપણે પાલન કરશે.
- Advertisement -