ગોરખનાથ ટૂક પર મૂર્તિનું માથું કાપી ખીણમાં ફેંકાયું, સાધુ-સંતોમાં રોષ
ચાર અજાણ્યા શખ્સોને ઝડપવા પોલીસની ટીમો કામે લાગી
- Advertisement -
ગિરનારના સીસીટીવી ચેક કરી શકમંદોની પૂછપરછ શરુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ ટૂંક પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય થતા સનાતનિઓમાં અને સાધુ-સંતોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે. શનિવાર રાત્રિના ગોરખનાથ ટૂંકના પૂજારી સુતા હતા ત્યારે બહારથી દરવાજો બંધ કરી અજાણ્યા ચાર શખ્સોએ ગોરખનાથજીની મૂર્તિને માથાના ભાગેથી તોડીને ફેંકી દીધી હતી.
સાધુ સંતોમાં માંગ ઉઠી છે કે આવું જધન્ય કૃત્ય કરનારને તાત્કાલિક પકડી સબક શીખડાવવામાં આવે. ગિરનારનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ શિખર છે. આ શિખર પર ગોરખનાથજીનું મંદિર આવેલું છે. ગૌરક્ષનાથજી એ નાથ સંપ્રદાયના આધિપત્ય દેવ છે. શનિવાર રાત્રીના અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીના મંદિરમાં ગૌરક્ષનાથજીની મૂર્તિનું માથું કાપી અને ફેંકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આવું કૃત્ય કોણે કર્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં પોલીસની અલગ અલગ ટીમ ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથજીની ટૂંક પર તપાસ અર્થે રૂબરૂ દોડી ગઈ હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાથી સાધુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાની ગોરખનાથજીના પૂજારીએ તેમના મહંત સોમનાથબાપુને જાણ કરી હતી અને સોમનાથ બાપુ સહિતના સાધુ સંતો સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા. સોમનાથ બાપુએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેઓએ સૌપ્રથમ પુજારી જે રૂમમાં સૂતા હતા, તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ મંદિરમાં રહેલ ગુરૂ ગૌરક્ષનાથજી ધર્મનું અપમાન કરવાના ઇરાદે મૂર્તિનો શિરચ્છેદ કરી, મૂર્તિને ઉખાડી નાખી અને તેને ખીણમાં ફેંકી દીધી હતી. આ કૃત્યમાં મૂર્તિની આશરે રૂ. 50,000ની નુકસાની થઈ હતી. આ ઉપરાંત, મૂર્તિની આજુબાજુમાં રહેલ કાચ તોડી નાખીને રૂ. 20,000ની નુકસાની પણ પહોંચાડી હતી, આમ કુલ રૂ. 70,000ની નુકસાની થઈ હતી. પોલીસ દ્વારા ગોરખનાથજીના પૂજારી, કે સોમનાથબાપુની ફરિયાદ લઈ ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ગિરનાર પર્વત પર તપાસ અર્થે દોડી ગયા હતા.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાના ગુનામાં પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ પકડાય તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબીની સાથે એસઓજી, ડીવાયએસપી, ભવનાથ પોલીસ અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી જૂની સીડી અને નવી સીડીએ સીસીટીવી કેમેરા તથા બાતમીદારોને કામે લગાડી તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
કલેકટર અને SPની ઉપસ્થિતિમાં આજે મંદિરમાં ગૌરક્ષનાથજી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
ગિરનાર ઉપર ગોરખનાથજીની ટૂંકે જે ગૌરક્ષનાથ મૂર્તિની તોડફોડ કરાઈ હતી અને ત્યારબાદ સંતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આજરોજ રાજ્ય સરકારની દરમ્યાન ગીરીથી જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરક્ષનાથજીની નવી પ્રતિમાને પ્રસ્થાપિત કરી અને મંદિર મુર્તિ વગરના રહે તે માટે આજથી ગોરક્ષનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરી અને અધિકારીઓ અને મહંત શ્રી સોમનાથ બાપુની હાજરીમાં પૂજા વિધિ સંપન્ન થઈ હતી અને આજે જધન્ય કૃત્ય કરેલ છે તેઓને પકડી લેવા માટે સરકાર કટિબદ્ધ છે તેવી ખાતરી અપાય હતી આ પ્રસંગે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા ડોલી મંડળના પ્રમુખ દાસાભાઈ અને રમેશભાઈ બાવળીયા વગેરે હાજર રહ્યા હતા અને કૌશિકભાઈ દ્વારા પૂજા વિધિ કરાવી હતી.