જિલ્લામાં વેરા વસુલાતની 100% ટકા કામગીરી કરનાર 10 ગ્રામ પંચાયતનાના તલાટી મંત્રીને પ્રોત્સાહિત કરાયા
નાણાકીય વર્ષ-2023-24માં 1800 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં કુલ 779 વિકાસના કામો કરાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં નાણાપંચ અંતર્ગત થયેલ કામોની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023-24 માં અંદાજે 1800 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો કરવામાં આવ્યા છે, આ માતબર રકમના ખર્ચે જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં કુલ 779 જેટલા કામો થયા છે. અને હાલ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં અત્યાર સુધીમાં અંદાજે 630 લાખ રૂપિયાના ખર્ચે 268 જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતો કે જ્યાં તલાટી મંત્રી એ 100% વેરાની વસુલાત કરવાની સરાહનીય કામગીરી કરી છે, તે પંચાયતના તલાટીને પ્રોત્સાહિત કરવા એક નવતર અભિગમ અપનાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ 100% ગ્રામ પંચાયતમાં વેરાની વસુલાત કરનાર તલાટી મંત્રીને નવતર અભિગમ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી ખાતે તલાટી સાથે વાર્તાલાપ સંવાદ કરી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીના આ નવતર અભિગમથી જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતના તલાટીઓ પણ પ્રેરણા મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પંચાયત વેરા વસુલાતની 100 ટકા કામગીરી કરનાર 10 ગામના તલાટી મંત્રીઓને સન્માનિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંકજ વાઘાણી અને તાલુકા વિકાસ અધિકારી આર.પી.મકવાણા તથા કુતિયાણાના તાલુકા વિકાસ અધિકારી પણ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. પોરબંદર જિલ્લા પંચાયતના સભા કોન્ફરન્સ હોલ ખાતે પંચાયત વેરાની વસુલાત કરવાની 100% કામગીરી કરનાર તલાટી મંત્રીઓને બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની પોરબંદર તાલુકાની પાંચ ગ્રામ પંચાયત અને કુતિયાણા તાલુકાની પાંચ ગ્રામ પંચાયત મળી કુલ 10 ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને સન્માનિત કરવા માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં પંચાયત દ્વારા વસુલાતની કામગીરી 100 ટકા પૂર્ણ કરનાર તલાટી મંત્રીઓને જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 ના પંચાયત વેરાની 100% વસુલાત કરનાર તલાટી મંત્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ વાર્તાલાપ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.