ક્રાઈમ બ્રાન્ચનાં ધમભા ઝાલા, ગજુભા પરમાર વગેરેએ નાસ્તો દાબ્યો, પણ લારીવાળાએ પૈસા માંગતા ઈગો ઘવાઈ ગયો!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પોલીસવાળાની લુખ્ખાગીરી – ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. ઘટના રવિવાર રાતની છે. ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાએ તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નોસ્તો કર્યો હતો. નાસ્તા બાદ લારી-સંચાલકે પૈસા માગતાં મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા અમે હપ્તો ઉઘરાવવા ટેવાયેલા પોલીસવાળાઓએ મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા. રાજકોટ ક્રાઈમબ્રાન્ચનાં પોલીસવાળાઓની આ લુખ્ખાગીરી – ગુંડાગીરીનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
- Advertisement -
આઠ શૈતાનો 12 વર્ષનાં હૈદર પર ધોકા લઈને તૂટી પડ્યાં : હૈદરનાં પિતા રજાકને પણ ઢોર માર માર્યો
રાજકોટ પોલીસનો દિન-પ્રતિદિન બગડતી છાપ : અધિકારીઓનો ખૌફ રહ્યો જ નથી : ભ્રષ્ટ-કૌભાંડિયા પોલીસ સામે પગલાં લેવાતાં ન હોવાથી પોલીસ બની બેફામ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતનાં પગલાં લેવાયાં હતાં. છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી. રાજકોટ પોલીસને વિવાદમાં રહેવાની અને ગુંડાઓની જેમ તોડપાણી કરવાની જાણે આદત જ પડી ગઈ છે. રાજકોટના પોલીસવાળાઓ સુધારવા નામ જ લેતા નથી અને દિન-પ્રતિદિન વધુને વધુ તોડપાણીના અવનવા કિમીયાઓ શોધી કાઢે છે. ગઈમોડી રાતે હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતા રજાક પીપરવાડિયાએ પોલીસની લુખ્ખાગીરી – ગુંડાગીરી અંગે રડતાં રડતાં ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખસ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી-સંચાલક રજાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી-સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો.
પોલીસવાળા ધમભા ઝાલા સહિત આઠેય શખસ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રજાક પીપરવાડિયાને પણ પોલીસવાળા અને તેની ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસવાળાની લુખ્ખાગીરી-ગુંડાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસવાળા સહિતના શખસોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી. આખા પોલીસબેડાને બદનામ કરતા આવા પોલીસવાળાઓની લુખ્ખાગીરી-ગુંડાગીરી વિરુદ્ધ કડક પગલાં ભરાવવા જરૂરી છે.
ચોરથી પણ મોટા મહાચોર અમૂક પોલીસવાળા
રાજકોટમાં મોટાભાગના પોલીસવાળાઓ રેસ્ટોરાં, પેટ્રોલપંપ, શોરૂમ, સિઝનલ સ્ટોર, પાનના લારી-ગલ્લા કે ખાણીપીણીની દુકાનો પરથી વસ્તુઓ લઈ પૈસા ચૂકવતા નથી. ખાખીનો રોફ જમાવી લુખ્ખાગીરી કરતા કેટલાંક પોલીસવાળાઓને મફતીયો રોગ થઈ ગયો છે. મફતીયા રોગથી પીડિત અમુક પોલીસવાળાઓ ગમે ત્યાં ગમે ત્યારે પહોંચી જોઈતી ચીજો ખાય છે, મનગમતી વસ્તુઓ ખરીદે છે અને બદલામાં તે ચીજવસ્તુના પૈસા ચૂકવતા નથી. જો કોઈ ધંધાર્થી તેમની પાસે પૈસા માંગે તો તેમને ડરાવે-ધમકાવે છે, હપ્તો વસૂલવાનો શરૂ કરે છે. પોલીસના સ્વાંગમાં રહેલા આવા મફતીયા મહાચોરથી રાજકોટના મોટાભાગના વેપારીઓ હેરાન-પરેશાન છે. મફતમાં ખાય-પી લેવાની વૃત્તિ ધરાવતા ચૂનીંદા પોલીસવાળાથી આખી પોલીસ આલમ બદનામ થઈ ગઈ છે. અડધી રાતે વેશપલટો કરી ચોરી કરતા ચોર કરતા પણ નિર્દય રીતે ધોળા દિવસે સામાન્ય વેપારીઓને ખાખીના વેશમાં મહાચોર પોલીસ સામાન્ય લોકોને લૂંટી રહી છે.
પોલીસ કર્મચારીઓ ઑફિશિયલ કામે નહોતા ગયા: P.I. ધોળા
સમગ્ર ઘટના અંગે ‘ખાસ-ખબર’એ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે. વી. ધોળાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મીઓ ક્રાઈમ બ્રાન્ચનાં છે- એ વાત ચોક્કસ છે. પરંતુ આ ઘટના ખાતાકીય નથી. ઘટના સાથે ક્રાઈમ બ્રાન્ચને કશી જ લેવાદેવા નથી.
પોલીસપીડિત વેપારી-ધંધાર્થી ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે
રાજકોટમાં ઈમાનદારી અને મહેનતથી વેપાર-ધંધો કરતા વેપારી-ધંધાર્થીને કેટલાંક પોલીસવાળાઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા નાનો અમથો વેપાર-ધંધો કરવા દેવા માટે મસમોટો હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો છે. અમુક પોલીસવાળાઓ ખાણીપીણી, કપડાં, બૂટ ચપ્પલ, મોબાઈલ, સિઝનલ વગેરેનો વેપાર-ધંધો કરતા વેપારી-ધંધાર્થી પાસેથી ચીજવસ્તુઓ ખરીદી પૈસા ચૂકવતા નથી. અધૂરામાં પૂરું હપ્તો પણ વસૂલે છે અને કોઈ અવાજ ઉઠાવે તો માર પણ મારે છે. પોલીસની વધતી લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવવો જરૂરી છે ત્યારે લોહી-પરસેવાની કમાણી પર તરાપ મારી જતા હપ્તાખોર પોલીસવાળાઓથી પીડિત વેપારી-ધંધાર્થી ખાસ-ખબરનો મો. નં. 76982 11111 પર સંપર્ક કરે એવું સૂચન છે. ખાસ-ખબર તમને મફતીયા અને હપ્તાખોર પોલીસવાળાઓની પકડમાંથી મુક્ત કરાવશે.