મોંઘવારીથી પાક.ના લોકો ત્રસ્ત: એક ડઝન ઈંડાનો ભાવ રૂ.400
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં જનરલ ચૂંટણી યોજાવાની છે અને આનાથી ઠીક પહેલા જનતા પર મોંઘવારીનો માર પડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ઈંડાના ભાવથી લોકો ત્રસ્ત છે. લાહોરમાં 400 પાકિસ્તાની રૂપિયા પ્રતિ ડઝન ઈંડાનો ભાવ પહોંચી ગયો છે. ભારતીય નાણામાં આ આશરે 120 રૂપિયા થાય. આની પાછળ મોટું કારણ એ છે કે સ્થાનિક વહીવટી તંત્ર સરકારી રેટ લિસ્ટને લાગુ કરવામાં નિષ્ફળ રહી છે.
પાકિસ્તામાં મોટાભાગના સામાનનો ભાવ આકાશે આંબ્યો છે. એમાં ડુંગળીનો ભાવ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે સરકાર તરફથી ડુંગળીના ભાવ 175 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કરાયો છે, પરંતુ અહીં ડુંગળી 230થી 250 રૂપિયા કિલો વેચાઈ રહી છે. લાહોરમાં 12 ઈંડાનો ભાવ 400 રૂપિયા થયો છે. જ્યારે નોનવેજ એટલે કે ચીકનનો ભાવ 615 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.
પાકિસ્તાનના નાણામંત્રાલયે ભાવમાં સ્થિરતા રાખવા અને નફાખોરી રોકવાના ઉપાય માટે સરકાર સાથે નિયમિત કો-ઓર્ડિનેશન કરવા સૂચના આપી હતી. છતાં આ અંગે કોઈ પરિવર્તન નથી જોવા મળી રહ્યું.
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ-2023-24માં ગત વર્ષના નવેમ્બરના અંત સુધી પાકિસ્તાન પર કુલ દેવું વધી 63,399 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા થઈ ગયું છે. પીડીએમ અને સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનું કુલ દેવું 12.430 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધી ગયું છે. કુલ દેવું વધીને 63.390 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા થઈ ગયા છે. જેમાં ઘરેલું લોન 40.956 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા અને આંતરરાષ્ટ્રીય લોન 22.43 ટ્રિલિયન પીકેઆર સામેલ છે.
તાજેતરમાં વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ એલિટ કલાસ સુધી જ સીમિત છે. જેના પરિણામ સ્વરૂપ પાકિસ્તામાં આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. પોતાના સાથી દેશોથી પછાત રહી ગયું છે.