બ્રિટનમાં ફુગાવાનો દર ઓક્ટોબરમાં 11.1 ટકા નોંધવામાં આવ્યો છે. જે છેલ્લાી 41 વર્ષનો સૌથી વધુ છે. ફુગાવો સતત વધતા લોકોને રાહત આપવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકાર ગુરૂવારે નવા ખર્ચ અને નવા ટેક્સની યોજના જાહેર કરનારી છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)એ બુધવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ફુગાવો વાર્ષિક ધોરણે 11.1 ટકાના દરે વધ્યો છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 10.1 ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે ઓક્ટોબરમાં ફુગાવાનો આંકડો 10.7 ટકા રહેશે. જો કે વાસ્તવિક આંકડા તેમના અંદાજ કરતા વધારે રહ્યાં છે.
- Advertisement -
ઓએનએસના જણાવ્યા અનુસાર ખાદ્ય અને ઉર્જાના ઉંચા ભાવને કારણે ઓક્ટોબરમાં ફુગાવો વધ્યો છે. આ દરમિયાન બ્રિટનના નાણા પ્રધાન જેરેમી હંટે આ આંકડા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફુગાવા પર અંકુશ મેળવવા માટે સરકાર કડક પગલાં અને જરૂરી પગલાં ઉઠાવશે. તેમના આ નિવેદનને બજેટમાં ખર્ચ ઘટાડવા અને ટેક્સમાં વધારો કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. જેરેમી હંટે ગુરૂવારે નવું બજેટ જાહેર કરવાના છે. આ અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવા પર અંકુશ મેળવવામાં બેંક ઓફ ઇંગ્લેન્ડની મદદ કરવી આપણી ફરજ છે. તેથી અમે દેશની નાણાકીય બાબતોમાં ખૂબ જ જવાબદારીથી કામ કરીશું.