પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસના આકરા પ્રહારો; ખાદ્યપદાર્થોના ભાવ વધતા ‘થાલીનોમિક્સ’ પર કાતર ચલાવવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
છેલ્લા એકાદ વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવોમાં થયેલા ઉલ્લેખનીય વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની અર્થવ્યવસ્થા પર મોટો બોજ પડ્યો છે, જ્યારે આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી. આ પરિસ્થિતિ વચ્ચે માનવ વિકાસ સૂચકાંક (Human Development Index – HDI)માં સમગ્ર દેશમાં ગુજરાત 20મા ક્રમે રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.
- Advertisement -
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આરોપ મૂક્યો છે કે, મધ્યમ વર્ગના પરિવારો માસિક આવકના 30 થી 50 ટકા જેટલી રકમ ભોજન પર ખર્ચ કરે છે. મધ્યમ વર્ગના પરિવારો પાસે નિમ્ન મધ્યમ વર્ગની તુલનામાં વધુ નાણાંકીય ક્ષમતા હોય છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ માટે થતો હોય છે. જોકે, મોંઘવારીને કારણે આ બજેટ ઉપર ભારણ આવે છે. વ્યાસના જણાવ્યા અનુસાર, નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો આવકના 35થી 45 ટકા ખાધાખોરાકીની ચીજવસ્તુઓ પર ખર્ચે છે. ખાદ્યપદાર્થોના ભાવમાં સહેજ પણ વધારો આ વર્ગનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે છે. આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ પોતાના ’થાલીનોમિક્સ’ પર કાતર ચલાવવા અને તેમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે, જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે.
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ સૂચકાંકના તાજેતરના આંકડા મુજબ, ભારત વૈશ્વિક કક્ષાએ 130મા નંબરે છે, જ્યારે ગુજરાત રાજ્ય દેશમાં 20મે ક્રમે રહ્યું છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. ગરીબ પરિવારોના કિસ્સામાં આવકનો હિસ્સો 40 થી 70 ટકા સુધી હોય છે, પણ તેમને પાંચ કિલો ઘઉં મફત મળે છે અને બાકીની જીવનજરૂરિયાતની વસ્તુઓ રેશનિંગની દુકાનેથી વ્યાજબી ભાવે મળતી હોવાથી તેમની પરિસ્થિતિ નિમ્ન મધ્યમ વર્ગ જેટલી વિષમ બનતી નથી.



