અધિકારીઓ, પદાધિકારીઓ જાણે માત્ર ફોટા માટે જ વૃક્ષો વાવતા હોવાનો ઘાટ સર્જાયો
વન વિભાગ દ્વારા 26 જાન્યુઆરીએ જ 14 જેટલા વૃક્ષનું વાવેતર કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
મૂળી તાલુકામાં વૃક્ષોનું વાવેતર માટે તંત્ર જાણે ફોટો સેશન રાખતું હોય તેમ વાવ્યા બાદ જાણે કોઇને કાંઇ પડી ન હોય તેમ 3 દિવસ પહેલા જ તા. 26મી જાન્યુઆરી રોજ મૂળી સરકારી કોલેજના ગ્રાઉન્ડમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં વનવિભાગ દ્વારા અંદાજે 14 જેટલું વૃક્ષારોપણ કરાયું હતું. જે બીજા દિવસે જ મોટા ભાગના એટલે અંદાજે 7 જેટલા વૃક્ષ નષ્ટ થઇ જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેકાઇ છે.
સમગ્ર ઝાલાવાડમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછુ જોવા મળે છે ત્યારે આ વૃક્ષો ઉછેરવા પાછળ સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. ત્યારે આવું જ કાંઇક મૂળી તાલુકામાં બન્યું છે. મૂળી જિલ્લા કક્ષાની ધ્વજવંદનની ઉજવણી બાદ સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીના હસ્તે મૂળી હાઇવે પર આવેલી સરકારી કોલેજના મેદાનમાં મૂળી વનવિભાગ દ્વારા અંદાજે 14 જેટલા વૃક્ષારોપણ કરી ફોટા પડાવ્યા હતા. ત્યારે આ છોડને હજુ તો 3 દિવસ જ થયા છે. ત્યાં વાવ્યા બાદ કોઇ દરકરાર ન રખાતા મોટા ભાગનાં એટલે કે 7 જેટલા વૃક્ષોનું બાળમરણ થઇ ગયું છે.
જેથી અધિકારીઓ, પદાધિકારીઓ જાણે માત્ર ફોટા માટે જ વૃક્ષો વાવતા હોવાનો ઘાટ સર્જાયો છે. જ્યારે તાજા વાવેલા વૃક્ષો પશુ ખાઇ જતા અને બળી જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે પર્યાવરણ પ્રેમી રાજુભાઇ, શકિતસિંહ, હરેશભાઇ, સહિતનાએ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષોનું વાવેતર તો કરાય છે પછી કોઇ જ ધ્યાન ન અપાતું હોવાથી વૃક્ષો પાછળ કરવામાં આવતો ખર્ચ પાણીમાં જાય છે.