ખાસ-ખબર સંવાદદાતા
જામનગરના એક ભૂમાફિયા સામે કાર્યવાહી કરતાં સ્થાનિક પ્રશાસને સરકારી જમીન પર બનાવવામાં આવેલું ગેરકાયદેસર મકાન બુલડોઝર એક્શન લઈને તોડી પાડ્યું છે. આ મકાન રઝાક સાઈચા નામના એક ઇસમનું હતું, જેની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. શનિવારે (30 ડિસેમ્બર) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેડી વિસ્તારમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, રઝાક સાઈચાએ આ મકાન 26 વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીનમાં તાણી બાંધ્યું હતું. જે હકીકત સામે આવતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા અને આખરે સર્કલ ઓફિસરે ફરિયાદી બનીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઋઈંછ દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું હતું કે, સાઈચાએ જમીન સરકારી હોવા છતાં તેની ઉપર બંગલો બનાવી દીધો હતો, જેને લઈને ફરિયાદ થતાં કલેક્ટરે તપાસ સોંપી હતી. જેમાં ફરિયાદ સાચી નીકળી હતી.
ત્યારબાદ જામનગર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ જાદવે ફરિયાદી બનીને સીટી બી ડિવિઝન પોલીસ મથકે રઝાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. હવે જાણવા મળ્યું છે કે રઝાક સાઇચાના ગેરકાયદેસર મકાનને બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.