ચીની લશ્કર પાસે નાના-મોટા 350 પરમાણુ હથિયારો
ખાસ-ખબર સંવાદદાતા
આર્થિક કટોકટી ભોગવતા પાકિસ્તાનમાં નવા પરમાણુ હથિયારોનું ઉત્પાદન ઘટયું, છતાં 165 ન્યૂક્લિયર બોમ્બ સાથે ભારત કરતાં આગળ
- Advertisement -
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટના અહેવાલ પ્રમાણે ભારતે પરમાણુ હથિયારોની ક્ષમતા વધારી છે. ભારતના પરમાણુ હથિયારોની સંખ્યા 156માંથી વધીને એક વર્ષમાં 160 થઈ ગઈ છે. જોકે, પાકિસ્તાન કરતાં ઓછા ન્યૂક્લિયર બોમ્બ ભારત પાસે છે. પાકિસ્તાન પાસે 165 પરમાણુ હથિયારો છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયામાં પરમાણુ હથિયારોની ક્ષમતા વધારવા દોડ શરૃ થઈ છે. પરમાણુ હોડમાં ભારત પણ પાછળ નથી. ભારતના પરમાણુ હથિયારોની સંખ્યામાં એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. સિપરીના કહેવા પ્રમાણે ભારત પાસે 2021માં 156 પરમાણુ હથિયારો હતા, 2022માં એ આંકડો વધીને 160 થઈ ગયો છે. જોકે, ભારત હજુય સત્તાવાર આંકડાંમાં પાકિસ્તાનથી પાછળ છે. પાકિસ્તાન આમ તો આર્થિક રીતે બદહાલ થઈ ગયું છે એટલે નવા પરમાણુ હથિયારો વિકસાવી શકવાની સ્થિતિમાં નથી, છતાં પાકિસ્તાન 165 પરમાણુ બોમ્બ ધરાવે છે.
ચીને સૈન્યને આધુનિક બનાવવાનું શરૃ કર્યું છે. એ જ રીતે પરમાણુ હથિયારો પણ વધાર્યા છે. સિપરીના અહેવાલ મુજબ ચીન પાસે 350 પરમાણુ બોમ્બ છે. હજુય ચીન પરમાણુ હથિયારોનો જથ્થો વધારવા માટે સતત ફંડ ફાળવી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજના આધારે સિપરીએ કહ્યું હતું કે ચીને છેલ્લાં એક વર્ષમાં પરમાણુ શક્તિ માટે સતત ગતિવિધિ કરી હતી.
- Advertisement -
ભારત પાંચ-છ વર્ષમાં હાઈપરસોનિક મિસાઈલ બનાવી લેશે
બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અતુલ રાણેએ એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી પાંચ-છ વર્ષમાં ભારત હાઈપરસોનિક મિસાઈલો બનાવી લેશે. ભારત-રશિયાના સંયુક્ત સાહસ એવા બ્રહ્મોસ એરોસ્પેસના કહેવા પ્રમાણે અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. બ્રહ્મોસના સુપરસોનિક લોન્ચિંગને 21 વર્ષ થયા છે. સિલ્વર જ્યુબિલી યર સમારોહમાં કહેવાયું હતું કે હાઈપરસોનિક મિસાઈલનું આયોજન થઈ ગયું છે. રશિયા-ભારતના સંયુક્ત સાહસ અંતર્ગત ભારત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ થઈ જશે.યુવા પ્રતિભાને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયાસો શરૃ કરાયા છે. બ્રહ્મોસની ગણતરી દેશના સૌથી સફળ સંયુક્ત ડિફેન્સ કાર્યક્રમોમાં થાય છે. આ યોજના અંતર્ગત ભારતને ઘણી મિસાઈલ ટેકનોલોજી મળી છે.