ભૂખમરામાં પાડોશી દેશો કરતા પણ વધુ ખરાબ સ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં ભૂખમરા અથવા કુપોષણની સ્થિતિ ‘ચેતવણીજનક’ સ્તરે પહોંચી ગઈ છે. ભારતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) 2021માં સતત બીજા વર્ષે પીછેહઠ કરી છે અને તે 116 દેશોની યાદીમાં 94મા ક્રમેથી પાછળ ધકેલાઈને 101મા ક્રમે પહોંચી ગયું છે. આમ, ભારતમાં ભૂખમરાની સ્થિતિ તેના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ વધુ ખરાબ છે. 2020માં જીએચઆઈ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ 102મા ક્રમેથી સુધરીને 94મા ક્રમે આવી હતી.
સમગ્ર વિશ્વમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે ગુરુવારે 116 દેશોની યાદી જાહેર કરી હતી, જેમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહિત 18 દેશોનો પાંચથી ઓછા સ્કોર સાથે ટોચની રેન્કમાં સમાવેશ કરાયો હતો. આઈરિશ સંસ્થા ક્ધસર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ભારતમાં ભૂખમરાની સ્થિતિને ‘ચેતવણીજનક’ ગણાવવામાં આવી છે.
- Advertisement -
વર્ષ 2020માં ભારત 107 દેશોમાં 94મા ક્રમે હતો. હવે તે 116 દેશોની યાદીમાં 101મા ક્રમે આવી ગયો છે. ભારતના જીએચઆઈ સ્કોરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2000માં આ સ્કોર 38.8 ટકા હતો, જે 2012થી 2021 વચ્ચે ઘટીને 28.8 – 27.5ની રેન્જમાં આવી ગયો છે.



