ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા રાજકોટ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ બ્રાન્ચના સથવારે રાજ્ય કક્ષાની તબીબો માટેની બે દિવસ કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી. જેમાં દેશના નામાંકિત તબીબો સાથે દેશના પાંચ પદ્મશ્રી ડોકટર સાથે રાજ્યના બે હજારથી વધુ તબીબો જોડાયા હતા.
- Advertisement -
આ કોન્ફરન્સમાં વીસથી વધુ વિષય નિષ્ણાત ડોકટર સ્પીકર તરીકે પણ હાજર રહ્યા હતા અને તબીબી ક્ષેત્રની વિવિધ તલસ્પર્શી છણાવટ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતા ‘વન મેન આર્મી’ સમા અરૂણ દવેનું દેશના જાણીતા તબીબ પદ્મશ્રી ડોકટર રણદીપ ગુલેરીયા ના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. તેમની મેડિકલ ક્ષેત્ર સાથેની રોગ નિયંત્રણ બાબતની તથા આ પરત્વે કાઉન્સિલિંગ સુંદર સેવાની સરાહના કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ આઈ.એમ.એ ગુજરાતના પ્રમુખ ડો.ભરત કાકડીયા, ડો અતુલ પંડ્યા, ગુજરાત આઈ.એમ.એ ના નવા વરાયેલા પ્રમુખ ડો. મેહુલ શાહ, પદ્મશ્રી ડો. તેજસ પટેલ, ડો. પારસ શાહ, ડો.ચેતન લાલસેતા સહિતના તબીબો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે અરૂણ દવે એઇડ્સ પ્રિવેન્સન ક્લબ આયોજિત જનજાગૃતિના કાર્યક્રમોની વૈશ્વિક સ્તરે સરાહ કરવામાં આવે છે.