ટ્રમ્પે કહ્યું, ભારતીય PM એ મને ખાતરી આપી: રાહુલ ગાંધીએ કહ્યું, વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિથી ડરી ગયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સને સંબોધતાં ટ્રમ્પે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે.
ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે એનાથી હું ખુશ નહોતો, પણ આજે તેમણે (ઙખ મોદી) મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. આ એક મોટું પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે. હકીકતમાં અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઓગસ્ટ 2025માં ભારત પર 25% વધારાનો ટેરિફ લાદી ચૂક્યો છે.
અગાઉ તેણે 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, જેનાથી ભારત પર કુલ ટેરિફ 50% થયો હતો. જોકે ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી અટકાવવા અથવા ઘટાડવાના કોઈ ઇરાદાની પુષ્ટિ કરી નથી.
દરમિયાન ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો.
અગાઉ કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયાને ભારતનો નજીકનો સાથી ગણાવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે પરસ્પર મિત્રતા સુધારવા માટે દેશના સંબંધોને નુકસાન ન પહોંચાડો. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પના મતે તેમના ગુસ્સા અને ધમકીઓ સામે ઝૂકીને મોદીએ ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.
પાર્ટીએ વધુમાં કહ્યું હતું કે એક વાત સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદી એક નબળા વડાપ્રધાન છે, તેમનાં કાર્યોએ દેશની વિદેશનીતિને અસ્થિર બનાવી દીધી
છે.