ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
સશસ્ત્ર દળોના એલિટ કમાન્ડો ફોર્સનો સંયુક્ત યુદ્ધ સિદ્ધાંત તૈયાર કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ આર્મીની સ્પેશિયલ ફોર્સ, એરફોર્સના ગરુડ કમાન્ડો ફોર્સ અને નેવીના માર્કોસ કમાન્ડો માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર પછી હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં, ત્રણેય સેનાઓના એલિટ કમાન્ડો ફોર્સની તૈયારીના દરેક પાસાને સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અથવા તેના આતંકવાદીઓ ભારત સામે કાર્યવાહી કરે છે, તો તેમની સામે શું થશે? એટલું જ નહીં, યુદ્ધની સ્થિતિમાં આ કમાન્ડો શું કરશે અને શાંતિકાળમાં તેમની ભૂમિકા શું હશે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
- Advertisement -
તેનો હેતુ દુશ્ર્મનના વ્યૂહાત્મક લક્ષ્યો પર અંદર ઘૂસીને હુમલો કરવાની ક્ષમતા વિકસાવવાનો છે. આ સાથે, દુશ્ર્મનના તે મહત્વના ઠેકાણાઓ પર હુમલો કરવાની રણનીતિ બનાવવામાં આવી છે, જે તેની અર્થવ્યવસ્થાને નષ્ટ કરશે અને યુદ્ધ કરવાની તેની હિંમત પણ તોડી નાખશે.
અમેરિકાના ડેલ્ટા ફોર્સ અને નેવી સીલ્સ, સ્પેટ્સનાઝ અને ઇઝરાયલના સૈરેત મતકાલ વિશ્ર્વની સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ છે. તેના ઓપરેશન દુશ્ર્મનના ઘરમાં ઘૂસીને સચોટ પ્રહાર કરવા માટે ફેમસ છે.
ભારતની જમીન, પાણી અને આકાશમાં તાકાત
આર્મી: 9 બટાલિયન પેરા સ્પેશિયલ ફોર્સ. સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક, બંધકોને બચાવવામાં કુશળ.
નૌકાદળ: માર્કોસ મરીન કમાન્ડો. દરિયાઈ યુદ્ધ, પાણીની અંદર અને દરિયાકાંઠાની સુરક્ષામાં નિપુણ.
વાયુસેના: ગરુડની રચના 2004માં કરવામાં આવી હતી. એરબેઝ સુરક્ષા, હવાઈ હુમલા, દુશ્ર્મનના હવાઈ ક્ષેત્રો પર હુમલા અને સર્ચ એન્ડ રેસ્ક્યૂમાં નિષ્ણાત. હવાઈ યુદ્ધમાં માસ્ટર.
- Advertisement -
અમેરિકા, રશિયા અને ઇઝરાયલની સ્પેશિયલ ફોર્સ વિશે જાણો…
1. ડેલ્ટા ફોર્સ
આ અમેરિકાનું વિશેષ આર્મી ઓપરેશન્સ યુનિટ છે, જે 1977માં સ્થાપિત થયું હતું. તેનું મુખ્ય કામ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવું, બંધકોને સુરક્ષિત છોડાવવું, ગુપ્ત મિશન પાર પાડવું અને ઊંચી કિંમતના ટારગેટ્સને પકડવા અથવા નષ્ટ કરવા છે. તેના સભ્યો મોટાભાગે યુએસ ગ્રીન બેરેટ્સ અને રેન્જર્સમાંથી પસંદ કરવામાં આવે છે. આ દળ માટેની તાલીમ અત્યંત કઠિન હોય છે, જેમાં માનસિક શક્તિ અને શારીરિક સહનશક્તિની કસોટી કરવામાં આવે છે.
2. નેવી સીલ્સ
આ યુએસ નેવીનું વિશેષ ઓપરેશન્સ યુનિટ છે, જે બીજા વિશ્ર્વયુદ્ધ પછી 1962માં સ્થાપિત થયું હતું. તેની ખાસિયત એ છે કે તે દુનિયાના કોઈપણ ખૂણે ઓપરેશન ચલાવી શકે છે. તેના મુખ્ય કાર્યોમાં દરિયા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મિશન પાર પાડવા, ગુપ્તચર કામગીરી, તેમજ આતંકવાદીઓ પર ચોક્કસ હુમલો કરવાનો સમાવેશ થાય છેજેમ કે ઓસામા બિન લાદેનને નાબૂદ કરવાનું ઓપરેશન. આ દળની તાલીમ અત્યંત કઠિન હોય છે, જેમાં “હેલ વીક” નામનો તબક્કો ખાસ જાણીતા છે. તેમાં સૈનિકોને ઘણા દિવસો સુધી ઊંઘ કે આરામ વિના સતત જોખમી કસરતો કરાવાય છે.
3. સ્પેત્સનાઝ
રશિયાની સ્પેશિયલ ફોર્સિસ, જેને સ્પેત્સનાઝ કહેવામાં આવે છે, તેનું અસ્તિત્વ સોવિયેત યુગથી શરૂૂ થયું હતું. આજકાલ રશિયન સેના, ગુપ્તચર એજન્સીઓ અને આંતરિક સુરક્ષા દળોમાં વિવિધ પ્રકારની સ્પેત્સનાઝ યુનિટ કાર્યરત છે. તેમના મુખ્ય કાર્યોમાં જાસૂસી કરવી, આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવવું, દુશ્ર્મનના પ્રદેશમાં ગુપ્ત હુમલા કરવું, બંધકોને છોડાવવું અને તોડફોડ કરવી શામેલ છે. તેઓ પોતાની નિર્દય અને કઠોર તાલીમ માટે પ્રસિદ્ધ છે, જેમાં સૈનિકોને હકીકતમાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરાવવામાં આવે છે.
4. સાઈરેટ મતકાલ
ઇઝરાયલની સેના આ દળને યુનિટ 269 તરીકે ઓળખે છે, જેની સ્થાપના 1957માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય કામ ગુપ્તચર કામગીરી, આતંકવાદ વિરોધી અભિયાન અને ગુપ્ત મિશન પાર પાડવાનું છે. વિશ્ર્વભરમાં બંધકોને બચાવવાના ઓપરેશન્સ માટે આ યુનિટનું નામ અગ્રણી ગણાય છે. તે અત્યંત ગુપ્ત યુનિટ છે, જેના વિશેની માહિતી ખૂબ જ સીમિત છે. ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન એહુદ બરાક, બેન્જામિન નેતન્યાહૂ સહિતના ઘણા અગ્રણી નેતાઓ અને અધિકારીઓ કોઈક સમયે આ યુનિટના સભ્ય રહી ચૂક્યા છે.