ઉદાસીન આશ્રમના બ્રહ્મલિન મહંત પૂ.પા.સોભરનદાસ બાપુએ 40 વર્ષ પહેલા શરૂ કરેલી અખંડ ધૂનની પરંપરા 41માં વર્ષે પણ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે આવેલ સુપ્રસિદ્ધ ઉદાસીન આશ્રમના પાવન પરિસરમાં બિરાજમાન શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં પુનિત શ્રાવણ માસ દરમિયાન દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ઓમ નમ: શિવાય એક માસની અખંડ ધૂન નો તા.24/07/2025 ગુરૂવારે બપોરે 03:00 વાગ્યે જગ્યા ના મહંત પૂ.પા.ગણેશમુની બાપુના વરદહસ્તે શુભારંભ થશે.
- Advertisement -
તાલાલા પંથકની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ.પા.શ્રી સોભરનદાસ બાપુએ 40 વર્ષ પહેલા પુનિત શ્રાવણ માસ દરમિયાન શરૂ કરેલ અખંડ ધૂન પરંપરાગત 41 માં વર્ષે પણ શરૂ થતાં તાલાલા વિસ્તારના શિવ ભક્તો તથા ભાવિકો આનંદવિભોર થઈ ગયા છે. ઉદાસીન આશ્રમમાં બ્રહ્મેશ્વર ભગવાનના સાનિધ્યમાં પુનિત શ્રાવણ માસ દરમિયાન અખંડ ધૂન ઉપરાંત શિવ પૂજા,મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ ભાવિકોએ પધારવા જગ્યાના મહંત પૂ.પા.ગણેશમુનિ બાપુએ જાહેર આમંત્રણ સાથે અનુરોધ કર્યો છે.તાલાલા શહેરના ગૌરવવંતા અખંડ ધૂન ના કાર્યક્રમની આશ્રમના હરિહર ગ્રુપના યુવાનો તથા બ્રહ્મેશ્વર મહીલા મંડળની બહેનો તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે જેમાં તાલાલા નગરના વિવિધ ધાર્મિક મંડળો તથા મહીલા મંડળો તથા યુવા મંડળો ઉપરાંત તાલુકાના 18 ગામના ધુન મંડળો સહભાગી થશે.