ઓટો, કાર અને બાઇકની સુવિધા પસંદ કરી શકાશે: ભાડામાં ₹100થી વધુનો તફાવત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્ર સરકારની સહકારી સેવા ‘ભારત ટેક્સી’ જાન્યુઆરી 2026થી દિલ્હી અને ગુજરાતમાં શરૂ થઈ શકે છે. બાદમાં 6 મહિના પછી મુંબઈ, પુણેમાં શરૂ થશે. સહકારી ટેક્સીનો ટ્રાયલ દોઢ મહિના પહેલા દિલ્હી અને ગુજરાતના રાજકોટમાં શરૂ થયો હતો, જે સફળ રહ્યો છે.
તેના પાયલોટ પ્રોજેક્ટમાં તે ઓલા-ઉબર પર ભારે પડી રહી છે. સહકારી ટેક્સી પીક અવરમાં તેના ખાનગી હરીફો કરતાં 25 થી 30% સુધી સસ્તી પડી રહી છે. ભાસ્કરે દિલ્હીમાં 100થી વધુ ડ્રાઇવરો, રાઇડર્સ, યુનિયનના પદાધિકારીઓ અને ભારત ટેક્સી એપ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વાત કરી. આ દરમિયાન ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સીના રેટની તપાસ કરવામાં આવી. પીક અવર એટલે કે સવારે 9, સાંજે 7 અને રાત્રે 10 વાગ્યે રિયલ ટાઇમમાં ભારત ટેક્સી અને ઓલા-ઉબરના રેટમાં ₹100થી વધુનો તફાવત જોવા મળ્યો. જ્યારે નોર્મલ અવર એટલે કે સવારે 8 વાગ્યે, બપોરે 2 વાગ્યે આ તફાવત ઘટીને માત્ર ₹ 5-20 થઈ જાય છે.
ભારત ટેક્સી પણ ઓલા-ઉબરની જેમ એપથી જ બુક થાય છે. તેનું સંચાલન ભારતીય સહકારી કંપની સહકારી ટેક્સી કોઓપરેટિવ લિ. કરશે. તેના ચેરમેન અમૂલના માલિક જયંત મહેતા છે. જ્યારે કર્ણાટકમાં સફળ થયેલી નમ્મા ટેક્સીને પીપીપી મોડેલમાં સેવા આપી રહેલી મૂવિંગ ટેક પ્રાઇવેટ લિ. ટેક પાર્ટનર છે.
ફોરમ ફોર પ્રોગ્રેસિવ ગીગ વર્કર્સના અભ્યાસ મુજબ, 2024માં ભારતની ગીગ પ્લેટફોર્મ ઇકોનોમી 37 લાખ 90 હજાર કરોડની થઈ ગઈ છે, જેમાં માત્ર એપ આધારિત ટેક્સીનો હિસ્સો 5 લાખ કરોડથી વધુ છે.
એનસીસીપીટીઈના સ્થાપક આશિષ સિંહ અરોરા કહે છે કે આ અભિયાન પ્લેટફોર્મ ઇકોનોમીમાં સહકારિતાની જાગૃતિ વધારવા માટે સૌને સંગઠિત કરવાનું કાર્ય કરી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે પ્લેટફોર્મ ઇકોનોમીની 37 લાખ કરોડની અર્થવ્યવસ્થામાં 50% ભાગીદારી સહકારિતાની હોય.
ભારત ટેક્સી એપ મુસાફરોને ઓટો, કાર અને બાઇક ટેક્સીની સુવિધા આપે છે. આ ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરની મુસાફરી સુધીની બધી જરૂરિયાતો માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકો તેમના બજેટ અને જરૂરિયાત મુજબ કાર, ઓટો અને બાઇક રાઇડ પણ પસંદ કરી શકશે.
ઍપ્પ દ્વારા દિલ્હીમાં 2.75 લાખ ગ્રાહકો અને 1.50 લાખ ડ્રાઇવરો જોડાયા
ભારત ટેક્સી દ્વારા દિલ્હીમાં અત્યાર સુધીમાં 2.75 લાખ ગ્રાહકો અને 1.50 લાખ ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે. તેમાંથી 1.10 લાખ ડ્રાઇવરો ઓનબોર્ડ થઈ ગયા છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ખાનગી કંપનીઓ હાલમાં સામાન્ય કલાકોમાં ભાવ ઘટાડી રહી છે. આ માટે આપણે એગ્રીગેટર મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરાવવો જરૂરી છે. આ એપ દિલ્હી પોલીસની ઓનલાઈન સેવા સાથે સીધી રીતે જોડાયેલી છે. આનાથી મુશ્કેલીમાં પોલીસની તાત્કાલિક મદદ મળી રહે છે. કમિશન તરીકે જ્યાં ભારત ટેક્સી એક દિવસના માત્ર 30 રૂપિયા લે છે, ત્યાં ઉબર 187 અને ઓલા 149 રૂપિયા કમિશન ચાર્જ કરે છે.
ડ્રાઇવરોને પ્રાઇવેટ એપના જાળામાંથી બહાર કાઢવાનો હેતુ
સહકાર ટેક્સી સર્વિસના બોર્ડ ઓફ ડિરેક્ટર કિશન પાટણી કહે છે- દિલ્હીમાં કુલ 10 લાખ ડ્રાઇવરો છે, જેમાં 4.5 લાખ કેબ, 3.5 લાખ ઓટો અને 2 લાખ બાઇક ચલાવે છે. ભારત ટેક્સીનો હેતુ ડ્રાઇવરોને પ્રાઇવેટ એપ આધારિત ટેક્સીના જાળામાંથી બહાર કાઢવાનો છે અને અલ્ગોરિધમની ગુલામીમાંથી મુક્તિ અપાવવાનો પણ છે. કિશન કહે છે- સહકારી ટેક્સી મોડેલ અમને ભારતમાં નવા અમૂલના પ્રયોગ તરફ પ્રોત્સાહિત કરે છે અને સરકારને જવાબદાર બનાવવાનો પ્રયાસ પણ છે. સહકાર મંત્રાલયની ભાગીદારી અમારી આ સંપૂર્ણ યોજનાને સરકારી મદદ અને સરકારી યોજનાઓ સાથે જોડીને વિશ્ર્વસનીયતા આપવાનું કામ કરશે.



