પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરીને કહ્યું, શું ખબર એક દિવસ ઙઅઊં ભારતને ઓઇલ વેંચે!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાએ ઈરાનથી ઓઈલ અને પેટ્રોકેમિકલ કારોબારમાં સામેલ થવા બદલ ઓછામાં ઓછી 6 ભારતીય કંપની પર પ્રતિબંધો લાદ્યા છે. આ કાર્યવાહી તે 20 વૈશ્ર્વિક કંપની પર કરવામાં આવેલી કાર્યવાહીનો એક ભાગ છે, જેણે ઈરાન સાથે વેપાર કરવાની દોષી ગણાવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. મંત્રાલયનું કહેવું છે કે આ ભારતીય કંપનીઓએ ઈરાનથી ઓઈલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી અને વેચાણમાં નોંધપાત્ર વ્યવહારો કર્યા છે, જે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઈલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઈલ વેચી શકે છે.
બુધવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે ટ્રમ્પે લખ્યું, અમે પાકિસ્તાન સાથે એક ડીલ ફાઈનલ કરી છે, જેમાં અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે ત્યાંના વિશાળ ઓઈલ ભંડારનો વિકાસ કરશે. આ ભાગીદારી માટે એક ઓઈલ કંપનીની પસંદગી કરવામાં આવશે. કદાચ એક દિવસ તેઓ ભારતને પણ ઓઈલ વેચશે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા કલાકો પહેલાં જ તેમણે ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
કઈ ભારતીય કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ?
અલકેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ: એના પર સૌથી મોટો આરોપ છે. કંપનીએ જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 વચ્ચે 84 મિલિયન (લગભગ રૂ. 700 કરોડ)થી વધુ મૂલ્યનાં ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરી હતી.
ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ: જુલાઈ 2024થી જાન્યુઆરી 2025 સુધી, કંપનીએ 51 મિલિયન ડોલર (લગભગ રૂ. 425 કરોડ)થી વધુ મૂલ્યનાં ઈરાની મિથેનોલ અને અન્ય ઉત્પાદનો ખરીદ્યાં.
જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ: કંપનીએ એ જ સમયગાળા દરમિયાન લગભગ 49 મિલિયન ડોલરના મૂલ્યના ટોલ્યુએન સહિત ઈરાની ઉત્પાદનોની આયાત કરી.
રમણિકલાલ એસ. ગોસાલિયા એન્ડ કંપની: તેણે મિથેનોલ અને ટોલ્યુએન સહિત લગભગ 22 મિલિયન ડોલરનું પેટ્રોકેમિકલ્સ ખરીદ્યું.
પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ: કંપનીએ ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 વચ્ચે 14 મિલિયન ડોલરના ઈરાની મિથેનોલની આયાત કરી.
કંચન પોલિમર્સ: એના પર 1.3 મિલિયનના મૂલ્યના ઈરાની પોલિઇથિલીન ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.