ભારતીય યુવા વર્ગમાં હવે ‘પ્રીમિયમ’ દારૂ પીવાનો ક્રેઝ
ફ્રાંસની ટોચની કંપનીનાં શરાબ માર્કેટમાં ભારતનો હિસ્સો 13 ટકા, ચીનથી આગળ નીકળી ગયું
- Advertisement -
સૌથી વધુ શરાબ સેવન ઉતર પ્રદેશ, બંગાળ તથા મધ્યપ્રદેશમાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
2024-2029 વચ્ચે 357 મિલિયન લિટર દારૂ સેવનમાં વધારો થવાનો અંદાજ: પિતા-પુત્ર અને માતા-દીકરી સાથે પીવાની નવો ટ્રેન્ડ
- Advertisement -
ભારતમાં જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે અને તેની અસર લોકોના સામાજિક વ્યવહાર અને વપરાશની આદતો પર સ્પષ્ટપણે જોવા મળે છે. એક સમયે ચૂપચાપ રીતે લોકો દારુ પીતા હતા, જ્યારે વાતો પણ ભાગ્યે જ કરતા હતા, પરંતુ હવે ફેશન બની ગઈ છે, જ્યાં પિતા-પુત્ર અને માતા-દીકરી પીવામાં કોઈ સંકોચ ધરાવતા નથી.
ભારતીય સમાજમાં દારૂના સેવન અંગેની જૂની પરંપરાઓ ઝડપથી તૂટી રહી છે. ભારતમાં જીવનશૈલીના ઝડપી પરિવર્તનને કારણે યુવાનોમાં દારૂ પીવાનો ક્રેઝ જોરદાર વધી રહ્યો છે. વધતી ખરીદશક્તિ સાથે યુવાનો હવે સામાન્યને બદલે મોંઘા અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો દારૂ પસંદ કરી રહ્યા છે.
ફ્રાન્સની જાણીતી લીકર કંપનીના સીઈઓના મતે યુવાનો હવે સામાન્ય દારૂને બદલે મોંઘા અને પ્રીમિયમ બ્રાન્ડ્સ પસંદ કરી રહ્યા છે. ભારતીયો પણ હવે ગુણવત્તાવાળઓ દારુ પીવા માટે વધારે પૈસા આપવામાં ખચકાતા નથી.
નાણાકીય વર્ષ 2024-25માં ભારતે કંપનીના વૈશ્વિક વેચાણમાં 13 ટકાનો મોટો ફાળો આપ્યો, જેણે ભારતને ચીનથી આગળ લાવીને અમેરિકા બાદ બીજા ક્રમે મૂકી દીધું છે. એક અંદાજ પ્રમાણે વર્ષે બે કરોડ યુવાનો લીગલ ડ્રિંકિંગ એજમાં પ્રવેશે છે, જેમાં તેમનો ઝૂકાવ સામાન્ય દારુના બદલે પ્રીમિમય બ્રાન્ડનો દારુ પીવાનું પ્રમાણ વધ્યું છે.
એક તરફ વૈશ્વિકસ્તરે યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનીને દારૂનું સેવન ટાળી રહ્યા છે, પરંતુ બીજી તરફ ભારતમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. 2024 અને 2029 વર્ષની વચ્ચે ભારતમાં દારૂના વપરાશમાં આશરે 357 મિલિયન લિટરનો વધારો થવાનો અંદાજ છે.
આ વિરોધાભાસ દર્શાવે છે કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું લીકર માર્કેટ બનવા માટે તૈયાર છે. એક ડેટા મુજબ, ભારતમાં પ્રતિ વ્યક્તિ દારૂનો વપરાશ 2020માં 3.1 લિટર હતો, જે 2023માં વધીને 3.2 લિટર થયો અને 2028 સુધીમાં 3.4 લિટર સુધી પહોંચવાની ધારણા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય લીકર માર્કેટ આજે 60 અબજ યુએેસ ડોલર સુધી પહોંચી ગયું છે, જે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર છે.
ભારતીયોમાં દારૂ પ્રત્યેનું આકર્ષણ માત્ર પ્રીમિયમ વ્હિસ્કી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં પણ વિવિધતા જોવા મળે છે. સરકારી ડેટા દર્શાવે છે કે દેશના લગભગ 30 ટકા લોકો દેશી દારૂનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય 30 ટકા લોકો ભારતમાં બનેલો વિદેશી દારૂ પસંદ કરે છે. પૂર્વોત્તર રાજ્યોમાં ઘરે બનાવેલી બીયર લોકોની પહેલી પસંદ છે. બિહાર જેવા દારૂબંધીવાળા રાજ્યમાં પણ 30 ટકા લોકો ગેરકાયદે દેશી દારૂનું સેવન કરતા જોવા મળ્યા છે.
દારૂના સેવનમાં અગે્રસર ટોપ 3 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં આશરે 42 મિલિયન લોકો દારૂનું સેવન કરે છે. પશ્ચિમ બંગાળમાં આશરે 14 મિલિયન લોકો દારૂનું સેવન કરે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં આશરે 12 મિલિયન લોકો દારૂનું સેવન કરે છે.
વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ દારૂના વપરાશમાં છત્તીસગઢ, ત્રિપુરા અને પંજાબ અગે્રસર છે. છત્તીસગઢમાં તેની કુલ વસ્તીના 35.6 ટકા લોકો દારૂનું સેવન કરે છે. ત્રિપુરામાં તેની કુલ વસ્તીના 34.7 ટકા લોકો દારૂનું સેવન કરે છે. જ્યારે પંજાબમાં તેની કુલ વસ્તીના 28.5 ટકા લોકો દારૂનું સેવન કરે છે.
મહિલાઓ અને બાળકોમાં દારૂના વ્યસનનો વધતો વ્યાપ પણ એક ગંભીર મુદ્દો છે.
અણાચલ પ્રદેશમાં 15.6 ટકા સ્ત્રીઓ અને છત્તીસગઢમાં 13.7 ટકા બાળકો દારૂનું સેવન કરે છે. પંજાબમાં 6 ટકા અને મહારાષ્ટ્રમાં 3.8 ટકા બાળકો દારૂથી પ્રભાવિત છે. આ આંકડા દર્શાવે છે કે દારૂ ઉદ્યોગ માટે સારા દિવસો આવી રહ્યા હોવા છતાં, સામાજિક સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આ એક મોટા પડકાર વધી રહ્યા છે એટલું ચોક્કસ.



