214 રન સામે 162 રનમાં ઈન્ડિયન ટીમ ઓલઆઉટ થયું; ડી કોકના 90 રન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઈન્ડિયન ટીમ સાઉથ આફ્રિકા સામે બીજી ઝ20 મેચ 51 રનથી હારી ગઈ. આનાથી 5 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ ધર્મશાળામાં રમાશે.
ગુરુવારે મુલ્લાનપુરમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, પરંતુ બોલરો તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. અર્શદીપ-બુમરાહે ખૂબ રન આપ્યા. સાઉથ આફ્રિકાએ 213 રનનો સ્કોર બનાવ્યો. ક્વિન્ટન ડી કોકે 46 બોલમાં 90 રન બનાવ્યા. છેલ્લે, ડેનોવાન ફરેરા (અણનમ 30 રન)એ ડેવિડ મિલર (અણનમ 20 રન) સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો.
જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 0, અભિષેક શર્મા 17 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 રન બનાવીને આઉટ થયા. અક્ષર પણ 21 રનના અંગત સ્કોર પર આઉટ થયો. અહીંથી તિલક વર્માએ હાર્દિક પંડ્યા સાથે મળીને ઇનિંગ્સ સંભાળવાની કોશિશ કરી, પરંતુ 118 રન પર હાર્દિક પંડ્યા (20 રન) આઉટ થયા પછી ભારતીય ટીમે સતત વિકેટો ગુમાવી અને 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
સાઉથ આફ્રિકા તરફથી ઓટ્ટનીલ બાર્ટમેને 4 વિકેટ ઝડપી. લુંગી એન્ગિડી, માર્કો યાન્સેન અને લૂથો સિપામલાએ 2-2 વિકેટ લીધી.
બુમરાહને એક ટી-20 ઇનિંગ્સમાં 4 સિક્સર લાગી
જસપ્રીત બુમરાહને તેના ઝ20ઈં કરિયરમાં પ્રથમ વખત એક જ ઇનિંગ્સમાં ચાર છગ્ગા પડ્યા. આ તેની 82મી ટી-20 ઇન્ટરનેશનલ મેચ હતી. આ પહેલાં કોઈપણ મેચમાં તેને ત્રણથી વધુ છગ્ગા લાગ્યા ન હતા. તેનો અગાઉનો સૌથી ખરાબ રેકોર્ડ 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે હતો, ત્યારે તેને ત્રણ છગ્ગા પડ્યા હતા.
અર્શદીપ સિંહે 13 બોલની ઓવર ફેંકી
અર્શદીપ સિંહે 13 બોલનો ઓવર ફેંકીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો. પૂર્ણ સભ્ય દેશોની મેચોમાં આ અત્યાર સુધીનો સૌથી લાંબી ઓવર રહી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 11મી ઓવરમાં અર્શદીપે 7 વાઇડ ફેંક્યાં, જેના કારણે ઓવર 13 બોલ સુધી લંબાઈ ગઈ. આ પહેલા આવો રેકોર્ડ 2024માં બન્યો હતો, જ્યારે અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકે હરારેમાં ઝિમ્બાબ્વે સામે 13 બોલની ઓવર ફેંકી હતી.



