મધ્ય એશિયા સાથેના વેપારમાં પાકિસ્તાનને બાયપાસ કરી શકાય એ હેતુથી ભારતે જ ઈરાનને આ બંદર વિકસાવવામાં મદદ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ તહેરાન, તા.14
- Advertisement -
મધ્ય એશિયાથી આયાત-નિકાસ માટે ચાબહાર બંદરનો ઉપયોગ કરવા ભારતે ઈરાન સાથે 10 વર્ષના કરાર કર્યા હતા. ઈરાનનું આ બંદર મધ્ય એશિયામાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. ઈરાનના પોર્ટ એન્ડ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન તથા ભારતના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) એ બન્ને વચ્ચે સહી-સિક્કા થયા હતા. ભારત વતી મંત્રી સર્વાનંદ સોનાવલે ઉપસ્થિત રહ્યા હતા. આઈપીજીએલ આ બંદર ખાતે 12 કરોડ ડોલરનું રોકાણ પણ કરશે. ચારે બાજુ જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના અન્ય દેશો સાથેનો ભારતનો વેપાર આ કરારને કારણે ઝડપી બનશે.
પાકિસ્તાનને સંપૂર્ણપણે બાયપાસ કરી આ બંદરના રસ્તે મધ્ય એશિયા સાથે વેપાર કરી શકાય એ મોટો ફાયદો છે. જોકે આ બંદરનો ભારત પહેલેથી ઉપયોગ કરે છે. 2021માં ઈરાનને જંતુનાશકોનો જથ્થો અહીથી મોકલાયો હતો. તો 2022માં અફઘાનિસ્તાનને 20 હજાર ટન ઘઉં આ બંદર મારફતે જ પહોંચતા કરાયા હતા.મધ્ય એશિયા સાથેના વેપારમાં પાકિસ્તાનને બાયપાસ કરી શકાય એ હેતુથી ભારતે જ ઈરાનને આ બંદર વિકસાવવામાં મદદ કરી હતી. ગુજરાતના કંડલાથી 550 નોટિકલ માઈલ જ દૂર છે. ચાહબારથી એ ભારતનું સૌથી નજીકનું બંદર છે. ભારતે નિયમિત રીતે બંદરના વિકાસ માટે ફંડ આપ્યું છે.