આ આમંત્રણ SCO સમિટ માટે આપવામાં આવ્યું છે તે માત્ર SCOના સભ્યપદને ધ્યાને રાખી આપવામાં આવ્યું છે. આ બેઠક દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે કોઈ ઔપચારિક બેઠક થાય તેની સંભાવના જરા પણ દેખાતી નથી
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદી સાથે વાતચીતની અપીલ કરી હતી. જે બાદમાં હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, ભારતે પાકિસ્તાનને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. મહત્વનું છે કે, આ બેઠક મેના પ્રથમ સપ્તાહમાં ગોવામાં યોજાશે. અહી સૌથી મોટી વાત એ છે કે, આ SCO સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તે માત્ર SCOના સભ્યપદને ધ્યાને રાખી આપવામાં આવ્યું છે. આ બેઠક દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે કોઈ ઔપચારિક બેઠક થાય તેની સંભાવના જરા પણ દેખાતી નથી.
- Advertisement -
ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોને અન્ય સભ્યોની સાથે આ વર્ષે મેની શરૂઆતમાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન મારફત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને SCO બેઠક માટે ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું છે. જોકે પાકિસ્તાન તરફથી હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આ બેઠકમાં ભાગ લેશે કે નહીં.
પાકિસ્તાનના વિદેશપ્રધાન ભારત આવશે કે નહીં ?
પાકિસ્તાના એક અખબારના અહેવાલ અનુસાર ચીન અને રશિયા SCO (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન) માં હાજર છે અને આ મંચના મહત્વને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન આ બેઠકથી દૂર રહે તેવી શક્યતા ઓછી છે.
આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત
ભારત મે મહિનામાં યોજાનાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન ની અધ્યક્ષતા કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર SCO મીટિંગની નિશ્ચિત તારીખો 4 અને 5 મે છે. જો પાકિસ્તાન આ આમંત્રણ સ્વીકારે છે, તો છેલ્લા 12 વર્ષમાં પાકિસ્તાનના કોઈ ટોચના નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર છેલ્લે જુલાઈ 2011માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
- Advertisement -
SCO સભ્યોમાં કયા- કયા દેશ સામેલ ?
SCO સભ્યોમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ સામેલ છે. મધ્ય એશિયાના દેશોની સાથે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓને પણ આવું જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સ્તરને જોતા પાકિસ્તાનના વિદેશ મંત્રીને આપવામાં આવેલ આમંત્રણ ઘણી રીતે મહત્વપૂર્ણ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને આમંત્રણ
તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ ત્રણ યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે અને ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે. આ નિવેદનના થોડા દિવસો બાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠક 4-5 મેના રોજ ગોવામાં યોજાશે અને ભારત તેની યજમાની કરી રહ્યું છે. આ બેઠકમાં ચીન સહિત અન્ય SCOને પણ બોલાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે.
ચીનના વિદેશ મંત્રી પણ થઈ શકે છે સામેલ
ભારત હાલમાં યુરેશિયન ગ્રુપનું અધ્યક્ષ છે. આ જૂથ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત જૂનમાં SCO સમિટનું પણ આયોજન કરશે, જેના માટે સરકાર ટૂંક સમયમાં તમામ સભ્ય દેશોના નેતાઓને આમંત્રિત કરશે. ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ વર્ષે તેમની આ બીજી ભારત મુલાકાત હોઈ શકે છે કારણ કે, તેમને 1-2 માર્ચે યોજાનારી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ આમંત્રિત કરવામાં આવી શકે છે.