વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ગયા અઠવાડિયે રશિયા-યુક્રેન યુદ્ધને “મોદીનું યુદ્ધ” ગણાવ્યું હતું અને નવી દિલ્હી પર વ્લાદિમીર પુતિનના “યુદ્ધ મશીન” ને ભંડોળ પૂરું પાડવાનો આરોપ મૂક્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે તેમના સલાહકાર પિટર નવારો પણ વારંવાર ભારત વિરુદ્ધ લવારી કરી રહ્યા છે. નવારોએ તાજેતરમાં યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ ગણાવ્યું હતું અને ‘લૉન્ડ્રોમૅટ’વાળી ટિપ્પણી કરી હતી. હવે ભારતે નવારોના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર પીટર નવારોના નિવેદનને રદીયો આપી દીધો છે. પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારતે કોઈપણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. ભારતની ઊર્જા નીતિએ વૈશ્વિક બજારને સ્થિર રાખવામાં અને કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી છે. અહીં લૉન્ડ્રોમૅટ એટલે શંકાસ્પદ વસ્તુઓને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા અથવા જગ્યા છે.
- Advertisement -
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયન તેલની ખરીદીમાં વધારો થયો હોવા છતાં ભારતે કોઈ નફાખોરી કરી નથી. ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું તેના ઘણા સમય પહેલાંથી જ ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ રહ્યો છે અને યુદ્ધ પછી પણ ભારતનો નિકાસ અને નફો લગભગ સમાન રહેલો છે. કેટલાક ટીકાકારો આક્ષેપ કરી રહ્યા છે કે, રશિયાનું ઓઈલ ભારત માટે લૉન્ડ્રોમૈટ બની ગયું છે. આનાથી મોટી ખોટી વાત કોઈ ન હોઈ શકે.’ ઉલ્લેખનીય છે કે, રાજકીય અને આર્થિક સંદર્ભમાં ‘લોન્ડ્રોમૅટ’નો ઉપયોગ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા પૈસાને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા માટે થાય છે.
ટ્રમ્પ-નવારોની પાયાવિહોણી વાતો
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર પિટર નવારો આક્ષેપ કરી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહી છે અને રશિયા તે ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે. જોકે બંને નેતાઓ ખોટી રીતે ભારત પર આક્ષેપ કરી રહ્યા છે. હકીકત એ છે કે, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત દ્વારા રશિયન ઓઈલની આયાતમાં માત્ર એક ટકાનો વધારો થયો છે અને તે 40 ટકા પર પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલની એક ટકો આયાત વધવાનું કારણ છે કે, પશ્ચિમ દેસોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ભારતને ભારે રાહત પર ઓઈલ મળી રહ્યું છે. આનાથી ભારતને સસ્તી ઊર્જા મળી રહી છે. જોકે અમેરિકન તંત્ર આક્ષેપ કરી રહી છે કે, ભારત રશિયન ઓઈલને રિફાઈનલ કરીને યુરોપના દેશોને નિકાત કરી રહ્યું છે અને કમાણી કરી રહ્યું છે.
- Advertisement -
પીટર નવારોએ તાજેતરમાં જ એક્સ પર પોસ્ટ કરીને યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારત રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના યુદ્ધ મશીનને ફન્ડિંગ કરી રહ્યું છે. તેમણે ભારતને ‘તેલ લોબીના હાથમાં રહેલી લોકશાહી લોન્ડ્રી’ ગણાવી હતી અને વડાપ્રધાન મોદીની ભગવા વસ્ત્રોમાં તસવીર પણ પોસ્ટ કરી હતી. નવારોનું કહેવું હતું કે, વિશ્વનો ટોચનો લોકશાહી દેશ ભારતની ઓઈલ લોબી ક્રેમલિન માટે વિશાળ રિફાઈનિંગ હબ અને નફો કમાવી આપતું દેશ બન્યું છે.
ભારત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે : પુરી
પુરીએ આનો જવાબ આપતા કહ્યું કે, ઈરાન કે વેનેઝુએલાની જેમ રશિયન તેલ પર કોઈ સીધો પ્રતિબંધ નથી. રશિયન તેલ પર G7 અને યુરોપિયન યુનિયન દ્વારા કિંમત મર્યાદા લાગુ કરાયેલી છે, જેનો ઉદ્દેશ્ય ઓઈલની આયાત ચાલુ રાખવાનો અને રશિયન આવકને મર્યાદિત કરવાનો છે. ભારત આ તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. ભારતનો દરેક લેવડ-દેવડ કાયદેસરની છે. ભારત કાયદેસરના શિપિંગ, વીમા અને પ્રમાણિત વેપારીઓ દ્વારા વેપાર કરે છે.
‘…તો ભાવો અને મોંઘવારી બંને વધશે’
પુરીએ વધુમાં કહ્યું કે, જો ભારત રશિયન તેલની આયાત બંધ કરી દે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમત 90થી 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેમણે બ્રોકરેજ ફર્મ સીએલએસએના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા પાસેથી તેલના ખરીદદારો મર્યાદિત છે, જો ભારત પાછળ હટી જાય તો વૈશ્વિક પુરવઠામાં એક ટકાનો ઘટાડો થશે, જેનાથી ભાવો અને મોંઘવારી બંને વધશે.