નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DGCI)એ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને ઓક્સફોર્ડ કોવિડ-19 વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ફાર્મા કંપનીએ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (DSMB), યૂકે અને DSMB ઈન્ડિયાની ભલામણ રજૂ કરી હતી, એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે એનરોલમેન્ટ ફરીથી શરૂ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી.
- Advertisement -
કેટલાક દિવસો અગાઉ એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ્સને અટકાવી દીધુ હતુ. કંપનીએ અભ્યાસમાં ભાગ લેનાર એક વોલન્ટિયરના બિમાર થયા બાદ આ પગલું ઉઠાવ્યું હતું. આ બાબતે એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓક્સફોર્ડ કોરોના વાયરસ વેક્સીનના ચાલી રહેલ રેન્ડમાઈઝ્ડ, નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલ્સના હિસ્સા તરીકે અમારા ધોરણોની સમીક્ષા પ્રક્રીયા શરૂ થઈ ગઈ હતી અને અમે એક સ્વતંત્ર સમિતિ દ્વારા સુરક્ષા ડેટાની સમીક્ષાની પરવાનગી આપવા માટે સ્વૈચ્છીક રીતે વેક્સીન રોકી દીધી. ત્યાર બાદ હાલમાં જ એસ્ટ્રાજેનેકાએ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલને ફરી શરૂ કર્યું.