યુનુસ નોર્થઈસ્ટની ટિપ્પણી બાદ ભારતે વળતો પ્રહાર કર્યો, ઢાકા માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી
ભારતે એક નિર્ણય લઈને મોહમ્મદ યુનુસ સરકારને ઝટકો આપી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ કરી દીધો છે, જેના કારણે હવે તેઓ કેટલાક દેશોને પોતાનો સામાન નહીં વેંચી શકે. વાસ્તવમાં ભારતે બાંગ્લાદેશને આપેલી પરિવહન (ટ્રાન્સશિપમેન્ટ) સુવિધા પરત લઈ લીધી છે. બાંગ્લાદેશ પશ્ચિમ એશિયા, યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ કરવા માટે ભારતીય બંદરો અને એરપોર્ટનો ઉપયોગ કરતો હતો, જેને લઈને ભારતે હવે આ સુવિધા બંધ કરી દીધી છે. જ્યારે નેપાળ અને ભૂટાનને આપેલી આ સુવિધા યથાવત્ રાખી છે.
- Advertisement -
ટ્રાન્સશિપમેન્ટ સુવિધા એટલે શું?
પરિવહન અથવા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા એટલે કે, કોઈપણ દેશના બંદરો, એરપોર્ટ અથવા રસ્તાઓનો કામચલાઉ ઉપયોગ કરી અન્ય દેશો સુધી સામાન પહોંચાડવો. બાંગ્લાદેશ ઘણા વર્ષોથી ભારતનો રસ્તાઓનો ઉપયોગ કરીને ત્રીજા દેશમાં નિકાસ કરે છે.
બાંગ્લાદેશને અપાતી સુવિધાના કારણે ભારતને નુકસાન
- Advertisement -
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, બાંગ્લાદેશને પરિવહનની સુવિધા આપવાના કારણે આપણા એરપોર્ટ અને બંદરો પર ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે આપણી નિકાસને અસર પહોંચે છે, સાથે જ તેના ખર્ચમાં પણ વધારો થાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ સુવિધા આઠમી એપ્રિલથી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, અમારા આ નિર્ણયથી બાંગ્લાદેશ દ્વારા નેપાળ અથવા ભુતાનમાં થતી નિકાસને કોઈ અસર નહીં પડે.
26 થી 29 માર્ચ દરમિયાન, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર, પ્રોફેસર મુહમ્મદ યુનુસે, ચીનની તેમની ચાર દિવસીય મુલાકાત દરમિયાન ટિપ્પણી કરી હતી કે, ઉત્તરપૂર્વ ભારત “ભૂપ્રદેશથી ઘેરાયેલું” હોવાથી, ઢાકા “આ સમગ્ર પ્રદેશ માટે સમુદ્રનું એકમાત્ર રક્ષક” છે.