કેપ્ટન સૂર્યાના 47 રન; મેચ બાદ પાકિસ્તાની ટીમ રાહ જોતી રહી ને ઈન્ડિયન ટીમ હાથ મીલાવ્યા વગર જતી રહી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા.મેચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા. અગાઉ, ટોસ પછી પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.ગ્રુપ-અની આ મેચમાં ભારતીય બોલરોએ પાવરપ્લેથી જ દબાણ બનાવ્યું અને પાકિસ્તાની બેટર્સને અંત સુધી ઉપર આવવાનો મોકો ન આપ્યો. સાહિબઝાદા ફરહાન (40 રન) અને શાહીન આફ્રિદી (33 રન) સિવાય કોઈ પણ બેટર સારું પ્રદર્શન કરી શક્યો નહીં. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી.ભારતીય ટીમ માટે ઓપનર અભિષેક શર્મા અને તિલક વર્માએ 31-31 રનની ઇનિંગ્સ રમી. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 47 રન બનાવ્યા. સૂર્ય-તિલકે ત્રીજી વિકેટ માટે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે ત્રણેય વિકેટ લીધી.મેચના પૂરી થયા પછી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી. તેણે એમ પણ કહ્યું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત આપણા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ આપણને પ્રેરણા આપતા રહેશે. આ જીત સાથે, ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું છે અને ટીમની સુપર-4માં પહોંચવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. બીજી તરફ, જો પાકિસ્તાન આગામી રાઉન્ડમાં પ્રવેશવા માગે છે, તો તેણે ઞઅઊ સામેની છેલ્લી મેચ જીતવી પડશે.
- Advertisement -
વિજય ભારતીય સેનાને સમર્પિત : સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે પોતાના નિવેદનથી લોકોના દિલ જીતી લીધા.ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પછીના ઇન્ટરવ્યુમાં પોતાના નિવેદનથી બધાના દિલ જીતી લીધા. તેમણે આ જીત સુરક્ષા દળોને સમર્પિત કરી અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે ઉભા રહેવાની વાત પણ કરી. સૂર્યાએ કહ્યું, ‘બસ કંઈક કહેવા માંગતો હતો. આ એક સંપૂર્ણ તક છે, અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ.’ ભારતીય કેપ્ટને કહ્યું- હું આ જીત આપણા બધા સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગુ છું જેમણે અદમ્ય હિંમત બતાવી. આશા છે કે તેઓ આપણને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને તક મળશે, ત્યારે અમે તેમને મેદાન પર હસવાના વધુ કારણો આપીશું.



