ભારત સરકારે મંગળવારે કેનેડાને તેના 40થી વધુ રાજનયિકોને પાછા બોલાવવા જણાવ્યું હતું, ભારતે કારણ આપતા કહ્યું કે તે બંને દેશ વચ્ચે રાજદ્વારીઓની સંખ્યા અને ગ્રેડમાં “સમાનતા” ઇચ્છે છે
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી તણાવ ઓછો થતો જણાતો નથી. કેનેડા સાથે બગડતા સંબંધો વચ્ચે, ભારતે કેનેડાને તેના 40 થી વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતે આ કર્મચારીઓને તેમના વતન પરત જવા માટે 10 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી છે. એક અહેવાલ મુજબ ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ છે અને ભારતે અગાઉ કહ્યું હતું કે કુલ સંખ્યામાં 41નો ઘટાડો કરવો જોઈએ.
- Advertisement -
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારીઓની સંખ્યા અને ગ્રેડમાં “સમાનતા” હોવી જોઈએ
ભારત સરકારે મંગળવારે કેનેડાને તેના 41 રાજદ્વારી કર્મચારીઓને પાછા બોલાવવા જણાવ્યું હતું. આ સાથે જ ભારતે કેનેડાને જણાવ્યું છે કે જો આમાંથી કોઈ પણ રાજદ્વારી 10 ઓક્ટોબર પછી વધારે રોકાણ કરશે તો તેમની રાજદ્વારી છૂટ રદ કરવામાં આવશે. અગાઉ એવું કહ્યું હતું કે તે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારીઓની સંખ્યા અને ગ્રેડમાં “સમાનતા” ઇચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાના રાજદ્વારી સ્ટાફનું કદ વધારે છે, તાકાત અને પદમાં સમાનતા હોવી જોઈએ. અગાઉ ભારતે કેનેડિયનો માટે વિઝા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
🚨 India has asked Canada to withdraw 41 diplomats by Oct 10.
— Indian Tech & Infra (@IndianTechGuide) October 3, 2023
- Advertisement -
નિજ્જરની હત્યાને લઈને વિવાદ શરૂ થયો હતો
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો ભારત પર આરોપ લગાવ્યા બાદ સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે, નિજ્જરને 18 જૂનના રોજ સરેમાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. આ વાત પર થોડા દિવસ પહેલા કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ “ભારત સરકારના એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોને સક્રિયપણે અનુસરી રહી છે”.
ભારતે તમામ આરોપોને ફગાવી દીધા હતા
ભારતે ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા અને ધાકધમકીનું વાતાવરણ છે. તે જ સમયે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના આરોપો પર અડગ છે અને આ મામલે અમેરિકા પાસેથી સમર્થન પણ માંગ્યું છે. તેના જવાબમાં અમેરિકાએ ભારતને આ મામલે તપાસ કરવાની અપીલ કરી હતી.