PGI ચંડીગઢ કીમો થેરાપી વિના જ કેન્સરની સારવાર કરશે
250 દર્દીઓ પર 15 વર્ષ સુધી ચાલેલાં સંશોધનનું ફળ મળ્યું
- Advertisement -
વિશ્ર્વભરમાં અત્યાર સુધી કેન્સરનો ઉપાય કીમોથી જ થતો હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
ચંડીગઢ પીજીઆઇ (અનુસ્નાતક તબીબી શિક્ષણ સંસ્થાન)ના તજજ્ઞોએ કીમો સારવાર વિના કેન્સરનો ઉપચાર કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. 15 વર્ષ સુધી સંસ્થાનમાં ચાલેલા સંશોધનને અંતે આ સફળતા મળી છે. હેમટોલોજી વિભાગના તજજ્ઞોએ એક્યૂટ પ્રોમાઇલોસાઇટિક લ્યૂકેમિયાના દર્દીઓને કીમો આપ્યા વિના જ સાજા કરી દીધા છે. દાવો કરવામાં આવ્યો છે કે પીજીઆઇએ આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધા પછી કીમો થેરાપી વિના જ કેન્સર સારવાર કરનારો ભારત પ્રથમ દેશ બની રહ્યો છે. બ્રિટિશ જનરલ ઓફ હેમેટોલોજીમાં પીજીઆઇના આ સંશોધનનું પ્રકાશન થયું છે. પીજીઆઇ હેમેટોલોજી વિભાગના વડા અને સંશોધન અહેવાલના મુખ્ય લેખક પ્રો. પંકજ મલહોત્રાએ જણાવ્યું કે કેન્સર જેવી વ્યાધિના કિસ્સામાં દર્દીની સ્થિતિ ઝડપથી વણસતી હોય છે. દર્દી બે સપ્તાહ સુધી પોતાને સંભાળી લે તો સારવારનો હકારાત્મક પ્રભાવ ઝડપથી સામે આવતો હોય છે. પરંતુ શરૂઆતના બે સપ્તાહ સુધી બચવું મુશ્કેલ હોય છે. વિશ્વભરમાં અત્યારસુધી કેન્સરનો ઉપાય કીમોથી જ થતો હોય છે. પરંતુ ચંડીગઢ પીજીઆઇએ પહેલી વાર કીમો વિના જ કેન્સરની સારવાર કરી છે. પીજીઆઇએ પહેલીવાર કીમો સારવારને બદલે દવાઓ આપીને કેન્સરની સારવાર કરી છે અને સફળતા મળી છે. તેમણે વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ જેવી દવાઓનો સમાવેશ થાય છે.
સંશોધનના પ્રથમ લેખક ડો.ચરનપ્રીતસિંહે કહ્યું કે 15 વર્ષો સુધી સંસ્થાનમાં ચાલેલા સંશોધનમાં 250 દર્દીને સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓની સારવાર કીમોને સ્થાને વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ દવાથી થઇ હતી. ગંભીર દર્દીઓને બે વર્ષ સુધી, ઓછા ગંભીર દર્દીઓને ચાર મહિના સુધી દવા આપવામાં આવી અને સતત ફોલોઅપ સાથે ટેસ્ટ થતા રહ્યા. આ 250 દર્દીની સ્થિતિની કીમો સારવાર લીધેલા દર્દી સાથે તુલના કરવામાં આવી તો પરિણામ સારા જોવા મળ્યા હતા. પ્રોજેક્ટમાં સામેલ 250 દર્દીના કિસ્સામાં 90 ટકા સફળતા મળી હતી. જોકે જે દર્દીઓ બે સપ્તાહ સુધી જીવતા બચી ના શક્યા તેમનું પરિણામ નકારાત્મક મળ્યું હતું. 90 ટકા દર્દી સાજા થઇને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
કીમો જે કેન્સર કોશિકાને સમાપ્ત કરે છે ત્યાં કીમોનો દુષ્પ્રભાવ અન્ય અંગો પર પડે છે. પરંતુ વિટામિન એ અને મેટલ ડોઝ કેન્સર સેલ બનવાની સ્થિતિ પર જ પૂર્ણવિરામ મૂકી દે છે. દવા કેન્સર ઉત્પન્ન કરનારા ટ્રાસ લોકેશન પર સીધો વાર કરે છે.
તે કિસ્સામાં ખાસ દુષ્પ્રભાવ નથી હોતો અને સંક્રમણ રોકાઇ જાય છે. વિટામિન એ અને આર્સેનિક ટ્રાઇઓક્સાઓઇડ ક્રોમોઝોનના ફેરફારથી બનનારા કેમિકલને જ રોકે છે.
એક્યૂટ પ્રોમાઇલો સાઇટિક લ્યૂકેમિયા( એપીએલ) તે એક્યૂટ માઇલોઇડ સ્લૂકેમિયા (એએમએલ)નું એક રૂપ છે. તે રૂપ દર્દીની અસ્થિમજ્જાને પ્રભાવિત કરે છે. અસ્થિમજ્જાની સ્ટેમ કોશિકા લાલ રક્ત કોશિકા અને શ્વેત રક્ત કોશિકાને વિકસિત કરતી હોય છે. પરંતુ એપીએલ દર્દીના કિસ્સામાં અસ્થિમજ્જા શ્વેત રક્ત કોશિકાઓના અવિકસિત રૂપનું ઉત્પાદન વધુ કરે છે. તેને પ્રોમાઇલોસાઇટ્સ કહે છે. પ્રોમાઇલોસાઇટ્સ અસ્થિમજ્જાની અંદર તૈયાર થાય છે. તેને પરિણામે શ્વેત રક્ત કોશિકાનું ઉત્પાદન ઘટી જતું હોય છે.