ભારતે પાકિસ્તાનને હરાવી 9મો એશિયા કપ જીત્યો
કુલદીપ-અક્ષર અને વરૂણની ઘાતક સ્પિન બોલિંગના કમાલ બાદ તિલક વર્માની 53 બોલમાં 69 રનની અણનમ ઈનિંગ તેમજ તેની દુબે (33) સાથેની 60 રનની પાંચમી વિકેટની નિર્ણાયક ભાગીદારીને સહારે ભારતે દિલધડક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપીને રેકોર્ડ નવમી વખત એશિયા કપ જીતી લીધો હતો. ક્રિકેટ ચાહકોના શ્વાસ અધ્ધર કરી દેનારી એશિયા કપ ટી-20ની ફાઈનલમાં 147ના ટાર્ગેટનો પીછો કરતાં 20/3 પર ફસડાયેલા ભારતે જબરજસ્ત કમબેક કર્યું હતુ અને 19.4 ઓવરમાં પાંચ વિકેટે 150 રન નોંધાવીને યાદગાર જીત હાંસલ કરી હતી. રિન્કુ સિંઘે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
- Advertisement -
હાઈવોલ્ટેજ ફાઈનલમાં જીતવા માટેના 147ના આસાન લાગતા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે અભિષેક (5) બાદ સૂર્યકુમાર (1) અને ગિલ (12) જેવા ધરખમ બેટ્સમેનોની વિકેટ માત્ર 20 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ભારતને અત્યંત નાજુક સ્થિતિમાંથી ઉગારતાં યુવા બેટ્સમેન તિલક વર્માએ ભારે પરિપક્વતા સાથે બેટિંગ કરતાં ૫૩ બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 69 રનની અણનમ ઈનિંગ રમી હતી. તિલકે સેમસન (24) સાથે ચોથી વિકેટમાં 50 બોલમાં 57અને દુબે (33) સાથે પાંચમી વિકેટમાં 40 બોલમાં 60 રન જોડતાં ભારતની જીત અપાવી હતી. તિલક-રિન્કુની જોડીએ ભારતને વિજય અપાવ્યો હતો. અશરફે ત્રણ વિકેટ મેળવી હતી.
અગાઉ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. ઓપનર ફરહાને 38 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તેણે ઝમાન (46)ની સાથે મળીને 84 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારતીય સ્પિનર વરૂણે 10મી ઓવરમાં આ ભાગીદારીને તોડતા ફરહાનને આઉટ કર્યો હતો.
ભારતીય સ્પિનરોએ પછી તો બાજી પલ્ટી નાંખી હતી. કુલદીપે અયુબ (14)ને, અક્ષરે હારિસ (0)ને અને વરૂણે ઝમાન (46)ને આઉટ કર્યા હતા. તલત (1) અક્ષરનો બીજો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવે આ પછી એક જ ઓવરમાં આગા (8), આફ્રિદી (0) અને અશરફ (0)ની વિકેટ ઝડપતાં પાકિસ્તાનને સાવ હાંસિયામાં ધકેલી દીધુ હતુ. બુમરાહે આખરે રઉફ બાદ નવાઝને આઉટ કરતાં પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રનમાં સમેટાયું હતુ. કુલદીપ યાદવે 30 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, અક્ષર અને વરૂણે 2-2 વિકેટ મેળવી હતી.