-17 મી સપ્ટેમ્બરથી ટીકીટનું ઓનલાઈન બુકીંગ અને 21મીથી ઓફલાઈન વેચાણ શરૂ થઈ જશે
એશીયાકપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચ ચાલી જ રહ્યો છે અને હવે આવતા સપ્તાહથી રાજકોટ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારા વન-ડે મેચનો ક્રિકેટ ફિવરમાં જકડાવા લાગવાના એંધાણ છે. 27 મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાનારા આ મેચ માટેની ટીકીટનું વેચાણ 17 મીથી શરૂ થશે. આવતા મહિનાથી શરૂ થનારા વર્લ્ડ-કપ પૂર્વેનો અંતિમ મેચ હોવાથી વિશ્વભરના ક્રિકેટ રમતા દેશો તથા ક્રિકેટ પ્રેમીઓની નજર રહેવાનું સ્પષ્ટ છે.
- Advertisement -
એશીયાકપની સમાપ્તી બાદ આવતા સપ્તાહે વન-ડે શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલીયાની ટીમ ભારત આવવાની છે. બન્ને દેશો વચ્ચે 3 મેચોની આ વન-ડે સીરીઝ છે. પ્રથમ મેચ મોહાલીમાં તથા બીજો વન-ડે ઈન્દોરમાં રમાવાનો છે.ત્રીજો વન-ડે 27 મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. સીરીઝનો તથા આઈસીસી વર્લ્ડકપ પૂર્વેનો આ આખરી મેચ હશે. એટલે બન્ને દેશોનાં ખેલાડીઓનાં પરફોર્મન્સ, બન્ને ટીમોની રણનીતિ વગેરે પર અન્ય ટીમો તથા ક્રિકેટ રસીયાઓની નજર રહેવાનું સ્વાભાવિક છે. 27મીના વન-ડે મેચ પૂર્વે ભારત અને ઓસ્ટ્રેલીયા એમ બન્ને દેશોની ટીમો 25 મીએ રાજકોટ આવી જવાની અને બે બે વખત નેટ પ્રેકટીસ કરે તેવી સંભાવના છે.
ડે-નાઈટ વન-ડે મેચ હોવાથી તે બપોરે 1-30 વાગ્યાથી શરૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં સુત્રોએ કહ્યું કે દર્શકોને સવારે 11-30 વાગ્યાથી સ્ટેડીયમમાં એન્ટ્રી મળશે. આ મેચ માટે ટીકીટનું વેંચાણ આગામી રવિવારને 17 મી સપ્ટેમ્બરથી શરૂ થશે. રૂા.1500 થી માંડીને રૂા.10,000 સુધીના ટીકીટના દર નકકી કરવામાં આવ્યા છે. 17મીથી પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર એપ તથા વેબ મારફત ટીકીટ ઉપલબ્ધ બનશે.
ભારતીય ટીમ હોટેલ સયાજીમાં અને ઓસ્ટ્રેલીયન ટીમમાં ફોર્ચ્યુનમાં રોકાશે
27મીએ રમાનારા વન-ડે મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ 25 મીએ જ રાજકોટ આવી જાય તેવી શકયતા છે ત્યારે બન્ને ટીમોનાં રોકાણ માટે અલગ અલગ હોટેલો રાખવામાં આવી છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજીમાં રોકાશે જયારે ઓસ્ટ્રેલીયન ટીમને હોટેલ ફોર્ચ્યુન ફાળવવામાં આવી છે. 25 મીથી જ આ હોટેલો બુક કરાવી લેવામાં આવી હોવાના સંકેત છે.
- Advertisement -
ભારત-ઓસ્ટ્રેલીયા ત્રીજી વખત રાજકોટમાં ટકરાશે
બન્ને દેશો વચ્ચે છેલ્લે જાન્યુઆરી 2020 માં વન-ડે રમાયો હતો
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી 27 મી સપ્ટેમ્બરે વન-ડે મેચ રમાવાનો છે જયારે બન્ને દેશો વચ્ચે રાજકોટમાં રમાયેલા મેચોનાં ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે આ ત્રીજો વન-ડે મેચ હશે. ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે સૌ પ્રથમ વન-ડે ટકકર છે.7 ઓકટોબર 1986 ના રોજ રેસકોર્ષનાં માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમમાં થઈ હતી.
બીજો વન-ડે 17મી જાન્યુઆરી 2020 ના રોજ ખંઢેરી સ્ટેડીયમમાં રમાયો હતો. આ સિવાય રાજકોટમાં બન્ને દેશો વચ્ચે એક ટી-20 મેચ પણ રમાઈ ચૂકયો છે. રાજકોટમાં ઓસ્ટ્રેલીયા સામેનો મેચ સાડા ત્રણ વર્ષ જેવા લાંબા સમયે યોજાયો હોવાના કારણોસર ક્રિકેટ રસીયાઓમાં જબરો ઉત્સાહ-ઉતેજના ફેલાવાનું સ્પષ્ટ છે. આવતા સપ્તાહથી જ રાજકોટ ક્રિકેટનો રંગે રંગાવા લાગશે. બન્ને ટીમોનાં ઉતારા માટે હોટેલ સહિતની અન્ય વ્યવસ્થાઓને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને અંતિમ સ્વરૂપ આપી જ દીધુ છે.
17 સપ્ટબેરથી PayTM મોબાઈલ એપ અને www.insider.in પર ઓનલાઇન ટિકિટ વેચાણ : રૂ.1500 થી રૂ.10000 સુધીના ભાવ ; 27મીએ બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે
ટિકિટના ભાવ : ઈસ્ટ સ્ટેન્ડના રૂ.1500 ; વેસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1ના રૂ.2000, લેવલ 2 & 3 ના 2500 ; સાઉથ સ્ટેન્ડ લેવલ 1 & 2 ના 8500 (ભોજન સાથે), લેવલ 3 ના 3000 તથા સાઉથ અને વેસ્ટ બોક્સમાં પ્રતિ ટિકિટના રૂ.10000 (ભોજન સાથે) રાખવામાં આવેલ છે.