રોહિતે છેલ્લી 14 ટેસ્ટ ઇનિંગ્સમાં એક જ અડધી સદી ફટકારી : રોહિતે 3 વખત કમિન્સનો સામનો કર્યો અને કમિન્સે તેને ત્રણેય વખત આઉટ કર્યો
મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ભારતની પ્રથમ ઇનિંગની બીજી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર ખરાબ શોટ રમીને રોહિત આઉટ થયો હતો. છેલ્લી બે ટેસ્ટમાં રોહિત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે વ્યૂહરચના બદલી અને શુભમન ગિલની જગ્યાએ રોહિતને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો.
- Advertisement -
છેલ્લી બે મેચમાં ઓપનિંગ કરી રહેલા કેએલ રાહુલને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. જોકે, બંને નિષ્ફળ રહ્યાં હતાં. રોહિત ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને રાહુલ 24 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે બંનેને પેવેલિયન મોકલી દીધાં હતાં. કમિન્સ સામે રોહિતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને આ શ્રેણીમાં કમિન્સે હિટમેનને ખૂબ જ પરેશાન કર્યો છે.
રોહિત પાસે કમિન્સનો કોઈ જવાબ નથી
આ પ્રવાસમાં રોહિતે ત્રણ દાવમાં કમિન્સનો સામનો કર્યો છે અને તે માત્ર સાત રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન કમિન્સે તેને ત્રણ વખત આઉટ કર્યો છે. કમિન્સ સામે રોહિતની એવરેજ 2.3 ની રહી છે.
જો કમિન્સ સામે રોહિતના એકંદર ટેસ્ટ રેકોર્ડ વિશે વાત કરીએ તો, રોહિતે કમિન્સ સામે કુલ 13 ઇનિંગ્સ રમ્યો છે. આ દરમિયાન તેણે 199 બોલનો સામનો કર્યો છે અને 127 રન બનાવ્યાં છે. કમિન્સ રોહિતને સાત વખત આઉટ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન સામે ભારતીય કેપ્ટનની એવરેજ 18.14 ની રહી છે.
- Advertisement -
છેલ્લી 14 ઇનિંગ્સમાં એક અડધી સદી
કમિન્સ રોહિતને આઉટ કરવાનાં મામલે પણ ટોપ પર આવી ગયો છે. કાંગારૂ કેપ્ટને ભારતીય કેપ્ટનને ટેસ્ટમાં પાંચમી વખત આઉટ કર્યો છે. આ મામલે તેણે રિચી બેનૌડ અને ઈમરાન ખાનની બરાબરી કરી છે. બેનોડે ટેડ ડેક્સ્ટરને પાંચ વખત અને ઈમરાને સુનીલ ગાવસ્કરને પાંચ વખત આઉટ કર્યા હતાં.
રોહિત છેલ્લી 14 ટેસ્ટ ઇનિંગ્સમાં 11.07 ની એવરેજથી માત્ર 155 રન જ બનાવી શક્યો છે. જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, રોહિતની ઇનિંગ્સ – 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6,10 અને 3 રનની રહી છે.
બીજી ટી 2024 માં રોહિતની સરેરાશ લિયોન કરતાં ખરાબ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓછામાં ઓછી ચાર ઇનિંગ્સમાં બેટિંગ કરનારા ખેલાડીઓમાં રોહિતની સરેરાશ સૌથી ખરાબ છે. તેની એવરેજ નાથન લિયોન અને મોહમ્મદ સિરાજ કરતાં પણ ખરાબ રહી છે. રોહિતે આ સિરીઝમાં છ ઇનિંગ્સમાં 5.50ની એવરેજથી 51 રન જ બનાવ્યાં છે.
લિયોન અને સિરાજની એવરેજ 6 ની રહી છે. બુમરાહે 10ની એવરેજથી રન બનાવ્યાં છે. આ પહેલાં રોહિત ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે છ ઇનિંગ્સમાં માત્ર 93 રન જ બનાવી શક્યો હતો. રોહિતની કેપ્ટનશિપ પણ છેલ્લી બે સિરીઝથી પ્રશ્ર્નોનાં ઘેરામાં છે.