રાજકોટને દિલ્હીની સવારે અને સાંજે બે નવી એર કનેક્ટિવિટી મળતા રોજ ચાર ફ્લાઈટ ઉડાન ભરશે
દિલ્હીથી રાજકોટ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પધારતા મંત્રી મનસુખ માંડવીયાનું ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, અગ્રણી તેજસભાઇ ભટ્ટી સહિતનાએ સ્વાગત કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા રવિવારથી રાજકોટ દિલ્હી વચ્ચે શરુ થયેલી નવી ફ્લાઈટમાં યાત્રા કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, અગ્રણી તેજસભાઇ ભટ્ટી, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી મંત્રીનું સ્વાગત કર્યું હતું.
મંત્રી મનસુખભાઇએ આ તકે જણાવ્યું હતું કે, રાજકોટ અને દિલ્હી વચ્ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને ચાર ફ્લાઈટની કનેક્ટિવિટી મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે. રાજકોટએ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. ત્યારે રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના ઉદ્યોગકારોને દિલ્હીથી રાજકોટની ફ્લાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને લાભ થશે.
સાથો સાથ રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી યાત્રાધામ સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ મળશે. આ તકે અગ્રણીઓ સર્વે માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, હંસરાજભાઇ ગજેરા, તેજસભાઈ ભટ્ટી, અમૃતભાઈ ગઢિયા હને નૌતમભાઈ બારસીયા સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.



