F.R.C.નું સેટિંગ RKCએ માંગ્યા કરતા પણ વધુ ફી વધારો મંજૂર કર્યો
ફી વધારો ન ભરો તો RKC દ્વારા LC આપવા ઇન્કાર
- Advertisement -
રાજકોટ શહેરની નામાંકીત રાજકુમાર કોલેજની ગરિમાને ઝાંખપ લગાડતો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સામાન્ય રીતે ફી વધારાની રકમ શાખા જે-તે વિદ્યાર્થી પાસેથી ચાલુ સત્ર દરમ્યાન જ વસુલી શકે છે પરંતુ આર.કે.સી. દ્વારા અભ્યાસ સંપુર્ણ કરીને જતા રહેલા વિદ્યાર્થી પાસે જયારે લીવીંગ સર્ટિફિકેટ લેવા આવે ત્યારે પાછલી તારીખથી અમલમાં આવેલ ફી વધારો માંગવાનું શરૂ કરવામાં આવતા ત્યારે હો-હા-દેકારો મચી ગયા છે. આ અંગે મળતી વિગયો મુજબ, ધ રાજકુમાર કોલેજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ધ રાજકુમાર કોલેજ રાજકોટ અંતર્ગત પ્રાયમરીથી ધો.12 સુધીનું શિક્ષણકાર્ય ચાલે છે. કોલેજ દ્વારા જે-તે સમયે એફ.આર.સી. કમિટિ પાસે ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. ફી વધારો મંજૂર થાય તે પહેલા અભ્યાસપૂર્ણ કરીને જતા રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ જયારે લીવીંગ સર્ટિફિકેટ લેવા માટે શાળાએ જાય તો તેમની પાસે પાછલી તારીખથી મંજૂર થયેલ ફી વધારો ભરો પછી જ એલ.સી. આપવામાં આવશે તેવો સ્પષ્ટ જવાબ આપતા વાલીઓ મુંઝવણમાં મુકાય ગયા છે.
ફી વધારા અંગે વાલીઓને મેઈલ, ફોન કે અન્ય કોઈ રીતે જાણકારી પણ ન આપી!
નવાઇની વાત તો એ છે કે ફી વધારા બાબતે આર.કે.સી. દ્વારા વાલીઓને મેઇલ, ફોન કે અન્ય કોઇ રીતે કોઇ જ જાણકારી આપી ન હતી, પરંતુ જયારે એલ.સી. લેવા આવે ત્યારે જ સીધી વધારાની રકમ માંગવામાં આવે છે જે નિયમ વિરૂદ્ધની વાત છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાની આ ઘટના સામે ત્યારે રોષ જોવા મળે છે. આ બાબતે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા એવો જવાબ આપવામાં આવ્યો કે મે-માસમાં ફી વધારાની જાણ કરવામાં આવી છે જયારે વાસ્તવમાં ફી વધારાની મંજૂરી જૂન માસમાં મળી છે ત્યારે મેનેજમેન્ટને ફી વધારાની જાણ અગાઉથી કેમ થઇ શકે? જેનો જવાબ સંચાલકો પાસે ન હતો. આ ઘટનાથી નિષ્ઠાવાન ટ્રસ્ટીઓ અજાણ હોવાનું પણ લાગી રહ્યું છે. ત્યારે આ વિવાદ વધુ આગળ વધે તે પહેલા યોગ્ય કાર્યવાહી થાય અને શહેરની જૂની તથા નામાંકીત કોલેજની આબરૂને બટ્ટો લાગતાં અટકાવવામાં આવે તેવું વાલીઓ ઇચ્છી રહ્યાં છે. અને આ બાબતની જાણ અન્ય ટ્રસ્ટીઓને પણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
- Advertisement -
F.R.C. સાથે રાજેશ વસાનું સેટિંગ?
વાલીઓને હેરાન-પરેશાન કરી મુકતા આ કાંડ પાછળ સી.એફ.ઓ. રાજેશ વસા જવાબદાર હોવાનું સંભળાય છે. રાજેશ વસાએ એફ.આર.સી. સાથે સેટીંગ કરી જૂની તારીખમાં ફી વધારો મંજૂર કરાવ્યાનું ચર્ચાય છે. જો કે આ સેટીંગની રકમ એફ.આર.સી.ને દેવામાં જૂના ટ્રસ્ટીઓએ રોકડને બદલે ચેક દેવાની વાત કરતા રાજેશ વસાની હેલત સાપે છછુંદર ગળ્યા જેવી થયાની પણ ભારે ચર્ચા છે. આ વિવાદ બાદ રાજેશ વસાએ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાય છે.
F.R.C. મહેરબાન વાલીઓ પરેશાન
RKC દ્વારા માંગવામાં આવેલ ફી વધારાની રકમ કરતા પણ વધારે ફી મંજુર કરવાની F.R.C.ની દલા તરવાડી નીતિની પાછળ ‘વહિવટ’ જવાબદાર હોવાની ત્યારે ચર્ચા છે. ત્યારે RKCના નિષ્ઠાવાન ટ્રસ્ટીઓએ આ ફી વધારા પાછળ કોની શું ભૂમિકા છે. તે મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની જરૂર છે. ફી વધારાની ઉઘરાણી સામે કોર્ટમાં જવાની તજવીજ પણ શરૂ થયાનું સંભળાય છે.
પ્રથમવાર એડમિશન ઓપનના પાટિયાં લાગ્યાં હતાં!
આશરે 200 વર્ષ જૂની રાજા-રજવાડાઓની RKC સ્કૂલમાં એડમિશન મેળવવું એટલે લોઢાના ચણા ચાવવા ગણવામાં આવતું હતું. માતબર પરિવારનાં સંતાનોને પણ એક સમયે RKC સ્કૂલમાં એડમિશન મળવું અશક્ય ગણાતું હતું. અને એવી પરિસ્થિતિ આવી ગઇ છે કે RKC દ્વારા સ્કૂલની બહાર જ એડમિશન ઓપનના પાટિયા મારવામાં આવ્યા હતાં. હવે RKC સ્કૂલમાં વાલીઓ પોતાના સંતાનોનું એડમિશન કરાવતા પહેલા સો વખત વિચાર કરજો, સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવા માટે બેનરો લગાવી જાહેરાત કરવી પડી હતી. આ પરથી RKC સ્કૂલના ખાડે ગયેલા વહીવટીતંત્ર અને એજયૂકેશન સિસ્ટમનો અંદાજ લગાવી શકાય છે.