જેટલા ઓછા વિચાર, એટલી વધુ મનની ક્ષમતા; લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ
પરમાત્માના ચરણોમાં ડો.શરદ ઠાકરના પ્રણામ. ધારો કે તમે પ્રવાસમાં છો, તમારી પાસે ચાર્જર નથી અને તમારા મોબાઈલ ફોનની બેટરી દસ ટકા જેટલી જ બચી છે. ઘરે પહોંચતા હજુ એકાદ કલાક લાગે તેવું છે. તો તમે શું કરશો? સ્વાભાવિક છે કે તમે તમારા મોબાઈલના બીજા બધા ફંક્સન્સ બંધ કરી દેશો. મોબાઈલ ડેટા ઓફ કરી દેશો. યુ-ટ્યુબ જોવાનું કે તમારા મોબાઈલમાં આવેલા ફોરવર્ડેડ વિડિયો જોવાનું મુલતવી રાખશો. કોઈની સાથે લાંબી વાત પણ નહીં કરો. આવું જ આપણા મનની બેટરીનું પણ હોય છે. જ્યારે આપણે વિચારોને અન્ય ક્ષેત્રોમાંથી પાછા વાળી દઈએ છીએ ત્યારે મનની લો બેટરી વધારે સમય ચાલવા લાગે છે.
જો તમારી વિચારોની બેટરી ફુલ્લી ચાજ્ર્ડ હોય અને તમે તમારા મનમાંથી અન્ય વિચારો દૂર કરી દો તો મન એક જ વિચાર પર કેન્દ્રિત થશે અને તે વિચાર ખૂબ જ પ્રબળ બની જશે. જે માણસ અંધ હોય છે તેની સ્પર્શની, સાંભળવાની તથા સૂંઘવાની શક્તિ વધી જતી હોય છે.
મેડિટેશન અર્થાત્ ધ્યાન-સાધનાનો એક આશય આ પણ છે. વિચારોની સંખ્યા ઓછી થઈ જાય તો જે એક વિચાર પર તમે મન કેન્દ્રિત કર્યું હોય તે વિચાર સિદ્ધ થઈ જાય.



