મહારાષ્ટ્રમાં હવે શિવસેના નેતા નિશાન
બેનામી કંપનીઓ મારફત નાણાકીય હેરફેરના ભાજપના આરોપ વચ્ચે દરોડા કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મહારાષ્ટ્રના મંત્રી તથા એનસીપી નેતા નવાબ મલિકની મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ બાદ હવે શિવસેનાના નેતા નિશાન બન્યા છે. શિવસેના નેતા યશવંત જાધવની આવકવેરા વિભાગે પુછપરછ શરુ કરી છે.
મુંબઈ નગરનિગમની કારોબારી સમિતિના અધ્યક્ષ એવા શિવસેનાના નેતા યશવંત જાધવના મઝગાંવ નિવાસે આજે વ્હેલી સવારથી આવકવેરા વિભાગે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીઆરપીએફનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. યશવંત જાધવની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. સૂત્રોએ કહ્યું કે નવાબ મલિકની ધરપકડ રાજકીય હોવાના દાવા સાથે ધરણા-વિરોધ પ્રદર્શનમાં ગઈકાલે યશવંત જાધવની પત્ની પણ સામેલ થઈ હતી.
યશવંત જાધવ પાંચ વર્ષથી કારોબારી અધ્યક્ષ છે અને બેનામી કંપનીઓ મારફત તેઓ નાણાકીય હેરાફેરી કરતા હોવાનો ભાજપ આરોપ લગાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પુર્વે મની લોન્ડરીંગ કેસમાં એનફોર્સમેન્ટ વિભાગે એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ કરી હતી. ગઈકાલે રાજકીય ધરપકડના દાવા સાથે એનસીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એનસીપી ઉપરાંત શિવસેનાના નેતા પણ સામેલ થયા હતા. મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવા તથા નેતાઓમાં ભય સર્જાવા માટે કેન્દ્રની ભાજપ સરકાર ષડયંત્ર રચી રહ્યાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.


