માવઠાથી સૌરાષ્ટ્રના 30 યાર્ડ બંધ
1000 વાહનને પ્રવેશ અપાયો, માવઠાને ધ્યાને રાખી માલ પ્લેટફોર્મ ઉપર ઉતરાવાયો
સુકા મરચાની નવી સિઝન શરૂ, ત્રણ ક્વિન્ટલ માલ આવતા 3100ના ભાવે સોદા પડયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારની રજા પૂર્ણ થતાં જ રાજકોટ માર્કેટ યાર્ડ સોમવારથી ફરી ધમધમતું થયું છે ત્યારે માવઠાની આગાહીને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડોમાં સોમવારે ઊઘડતી બજારે મગફળી અને સોયાબીનની હરાજી બંધ રાખવામાં આવી હતી અને એકમાત્ર રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી ચાલુ રાખવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા વર્ષના મુહૂર્તના સોદામાં મગફળીનો ટેકાના ભાવ કરતા મણદીઠ રૂ.300 ઓછા ભાવે વેપાર થતાં જગતના તાતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે સોમવારે 1000થી વધુ વાહન આવી જતા ટોકન સિસ્ટમ મુજબ મગફળી અને સોયાબીનના 200-200 વાહનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મગફળી 35000 મણ, સોયાબિન 18000 મણ અને કપાસ 12000 મણની આવક થઈ હતી. રોકડીયા પાક મગફળીમાં આજે યાર્ડમાં રજા પડી તે પહેલાના ભાવ કરતા 30થી 40 વધુ ભાવ મળ્યા હતા પણ મણીકે હજુ ટેકાના ભાવ કરતા ઓછા દામ મળતા ખેડૂતોએ તાકિદથી ટેકાના ભાવે ખરીદારી માટે માગણી ઉઠાવી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં માત્ર રાજકોટ યાર્ડમાં જ મગફળી અને સોયાબીનની હરાજી ચાલુ રાખવામાં આવી છે. અમે ખેડૂતોનો માલ ન બગડે તે માટે ટોકન આપીને જ માલ વેચવા બોલાવીએ છીએ જેથી ખુલ્લામાં માલ ઉતારવો ન પડે અને માવઠામાં બગાડ ન થાય. મંગળવારે નવા ટોકન ઇસ્યૂ કરાયા નથી. આથી જે વાહનો પેન્ડિંગમાં છે તેમનો વારો આવી જશે. ત્યારબાદ બુધવાર માટે નવા ટોકન ઇસ્યૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જેટલો માલ આવ્યો તે અમે પ્લેટફોર્મ ઉપર ઉતારીને હરાજી કરાવતા ખેડૂત કે વેપારી કોઈને માવઠાનો માર સહન કરવો પડ્યો નથી. આજે મગફળી જાડીમાં 850થી 1140, જાડીમાં 950થી 1150નો ભાવ જોવાયો હતો. સોયાબિનમાં 750થી 849 સુધીના ભાવ બોલાયા હતા જયારે કપાસમાં 1350થી 1565 સુધીના ભાવ જોવા મળ્યા હતા. અળદમાં 1130થી 1435 અને મગમાં 911થી 1560 સુધીના દામ મળ્યા હતા.
માર્કેટ યાર્ડમાં સુકા મરચાની નવી સિઝન શરૂ થઈ હતી આજે ત્રણ ક્વિન્ટલ આસપાસ માલ આવતા 20 કિલોના 3100ના ભાવે શુકન સોદા થયા હતા. યાર્ડના વેપારીએ જણાવ્યુ હતું કે, ગત સાલ પણ આવા જ ભાવ રહ્યા હતા. આ વખતે સુકા મરચાની સિઝન ગત સાલ જેમ શરૂ થઈ છે. માલની ધીમે ધીમે આવકો વધશે.



