રાજકોટના 135 વર્ષ જૂનાં વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવી પુનરૂત્થાન કરવામાં આવશે: ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજ્ય રક્ષિત સ્મારક અને પુન:સંરક્ષિત કરાયેલા રાજકોટની શાન સમા ‘જામટાવર’નું રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહએ કહ્યું હતું કે, જે વ્યક્તિ પોતાના ભૂતકાળને સાચવી નથી શકતો, તે તેના ભવિષ્ય માટે કશું મેળવી નથી શકતો ત્યારે આપણા ઐતિહાસિક વારસાને સાચવવાનો સૌપ્રથમ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો.
- Advertisement -
2008માં આ જામટાવરને પુન: સંરક્ષિત કરી લોકોને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્પણ કર્યો હતો. આ ઐતિહાસિક વારસાને સાચવવાના વડાપ્રધાનના સ્વપ્નને બળ આપતું એક વધુ પગલું એટલે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલ કે જે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય કક્ષાનું સ્મારક બન્યું છે. ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક ધરોહરના પ્રતીકો છે. આગામી સમયમાં રાજકોટના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અદ્યતન બનાવી ઇતિહાસને જીવંત કરનાર સ્થળ બનાવવામાં આવશે. આ તકે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે 1880માં જામ વિભાજી દ્વારા નિર્મિત ઐતિહાસિક સ્મારક એવા જામટાવર એ રાજકોટના ભવ્ય ભૂતકાળને પ્રતિપાદિત કરતું સ્મારક છે.
કલેક્ટર પ્રભવ જોષીએ જિલ્લાના ઐતિહાસિક સ્મારકો વિશે જણાવતાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં રાજ્યના પુરાતત્વ વિભાગ હેઠળના 11 ઐતિહાસિક સ્મારકો અને દેશના પુરાતત્વ વિભાગ હેઠળનું 1 ઐતિહાસિક સ્મારક આવેલા છે, જેમનો ર્જીણોદ્ધાર કરીને વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી જામટાવર તેમજ જૂની સાંકળી ગામનું સાંકળેશ્ર્વર મહાદેવને પુન: સંરક્ષિત કરવાના કામો પૂર્ણ થયા છે તેમજ અન્ય સ્મારકોના કામ પણ પ્રગતિ હેઠળ છે. આ સાથે જ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો તરીકે નોંધાયેલા ન હોય તેવા સ્મારકોને પણ સંબંધિત વિભાગો સાથે જોડી પુનરૂત્થાનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, ઈન્ટેક સંસ્થાના ક્ધવીનર રિદ્ધિ શાહ, વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ તથા રાજકોટની જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.