એરપોર્ટ પર વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્કચર સાથે મુસાફર કેન્દ્રિત સુવિધાઓ ઉપલબ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ઈન્ટિરિયર્સમાં ગુજરાતની ઝાંખી અને પરંપરાગત સંસ્કૃતિને કંડારવામાં આવી છે. એરપોર્ટના ટર્મિનલ-2 પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આગમન બ્લોકમાં પેસેન્જર ટ્રાફિકને સરળ બનાવવા અને એકંદર ક્ષમતા વધારવા આ નવનિર્માણ કરવામાં આવ્યું છે. ટર્મિનલ-2 પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા નવનિર્મિત ઇમિગ્રેશન વિસ્તાર સંસ્થાની સ્થિતિસ્થાપકતા, મક્કમતા અને અવરોધોને દૂર કરવાના અવિરત પ્રયાસનું પ્રમાણપત્ર છે.
આવાગમનના સ્ટેશન ઉપરાંત તે આપણા ગૌરવ, ઓળખ અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. જટઙઈંઅ નવી તકોના પ્રવેશદ્વારનું પ્રતિનિધિત્વ કરે છે. આરામદાયક પ્રવાસ, આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન તેમજ સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. તે એક એવું અવિભાજ્ય બંધન જે બધા માટે સંભાવનાઓના વૈશ્વિક દરવાજાઓ ખોલે છે. ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલો નવો અરાઇવલ બ્લોક 24 અત્યાધુનિક ઇમિગ્રેશન કાઉન્ટરો સહિત શહેરની કલા, સિટીસ્કેપ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
ગતિશીલ ગુજરાતનો સમૃદ્ધ વારસો, વિશિષ્ટ વિધિઓ અને પરંપરાગત સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ‘અમારુ અમદાવાદ’ના થીમ હેઠળ ટર્મિનલના આગમન વિસ્તારને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય મુસાફરો ટર્મિનલમાંથી પસાર થશે, તેમ તેમ અમદાવાદના ગતિશીલ વાતાવરણની કલાત્મક ઝલક જોવા મળશે. તેઓ ઉત્સવ અને સ્વાગતના પ્રતીક સમા ઝળહળતા તોરણોની હારમાળામાંથી પસાર થશે.